જામનગર શહેરમાં પોલીસ લાઇન સામે આવેલ નર્સિંગ સંકુલમાં ગઇકાલે બપોરના સમયે અહીં આવેલ જીમખાનું તોડતી વખતે દિવાલ પડતાં વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષ ધરાશાયી થતાં નજીકમાં રહેલ વિજપોલ પર પડતાં વિજપોલ પણ ધરાશાયી થયો હતો. ઘટનાના પગલે આ વિસ્તારમાં વિજળી ગુલ થઇ ગઇ હતી. આ ઘટનાને ધ્યાને લઇ ફાયર વિભાગ તથા પીજીવીસીએલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઇ હતી. ફાયર વિભાગ દ્વારા વૃક્ષને હટાવવા કામગીરી હાથ ધરાઇ હતી. વૃક્ષ ધરાશાયી થતાં સદ્નસિબે કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ વૃક્ષ પડવાના કારણે અહીં રહેલી એક મોટરકાર તેમજ કેટલાક ટુ વ્હીલરો પણ તેની નીચે દબાઇ જતાં નુકસાની પહોંચી હતી.
આ સમયે વૃક્ષ નજીક વૃધ્ધા બેસવા જતાં હતા સદનસીબે તેમનો પણ બચાવ થયો હતો. વીજપોલ ધરાશાયી થવાને પરિણામે આ વિસ્તારમાં કલાકો સુધી વિજળી ગુલ થઇ જતાં રહેવાસીઓ પરેશાન થયા હતા. જીમખાનાની દિવાલ ધરાશાયી થતાં સમગ્ર ઘટના સર્જાઇ હતી.