જામનગર શહેરમાં ધૂળેટીના પર્વને લઇને કલર અને પિચકારીઓની અનેકવિધ વેરાયટીઓનુ, બજારમાં આગમન થઇ ચૂકયું છે. ખાસ કરીને આ વખતે ધાર્મિક થીમ ઉપરની પિચકારીઓ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.
રંગોના પર્વ ધૂળેટીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. શહેરીજનોમાં હોળી-ધૂળેટીના તહેવારોને લઇ આતૂરતા જોવા મળી રહી છે. હોળીના પર્વમાં હોળિકાદહનની તૈયારીઓ પણ ચાલી રહી છે. તો બીજી તરફ જામનગર શહેરમાં ધૂળેટીના પર્વને લઇ પિચકારી તથા કલર સહિતની ચીજવસ્તુઓનું બજારમાં વેંચાણ થઇ રહ્યું છે. બાળકોમાં ધૂળેટી પર્વમાં પિચકારીઓનો અનોખો ક્રેઝ જોવા મળતો હોય છે. ત્યારે બજારમાં આ વર્ષે અનેકવિધ પ્રકારની પિચકારીઓ જોવા મળી રહી છે. ખાસ કરીને આ વર્ષે હનુમાન દાદાની ગદા, ડમરૂવાળું ત્રિશૂળ, ભાલુ, મગર, વાંસળી સહિતની ધાર્મિક વિષયને લગતી પિચકારીઓ મોટા પ્રમાણમાં જામનગરની બજારોમાં આવી છે.
View this post on Instagram
આ ઉપરાંત બાળકોને પ્રિય એવા બેટમેન, ડોરેમોન સહિતના કાર્ટૂન કેરેક્ટરવાળી પિચકારીઓ તો જોવા મળે જ છે. આ ઉપરાંત લેસરગન, બેગ, વોટરગન જેવી વિવિધ પ્રકારની પિચકારીઓ પણ બજારમાં ઉપલબ્ધ છે. તેમજ એકસાથે વધુ ફૂગ્ગાઓમાં પાણી ભરાય તેવી પિચકારીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. સિલિન્ડર પંપ પણ હવે બજારમાં જોવા મળે છે. આ ઉપરાંત સુગંધિત રંગોનો ખજાનો પણ આવી ચૂકયો છે. 10 કિલો કલરના બાચકા બજારમાં વેંચાઇ રહ્યાં છે.
બાળકો અને માનવીઓની સાથે સાથે ભગવાન માટે પણ નાની ડોલ અને નાની પિચકારી બજારમાં વેંચાઇ રહી છે. જે લોકો મંદિરોમાં ભગવાને ધરવા માટે ખરીદતા હોય છે. જે પણ ગ્રાહકોના મન મોહી રહી છે. આગામી દિવસોમાં ખરીદીમાં ભીડ જામશે.


