દ્વારકા જિલ્લામાં ગુરુવારે તેમજ શુક્રવારે બે દિવસથી અવિરત રીતે નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં જિલ્લાના મોટાભાગના નાના જળસ્ત્રોતો છલકાઈ જતા તેની સીધી આવક હવે મોટા ડેમમાં થઈ રહી છે. ગઈકાલના ભારે વરસાદના કારણે ચાર ડેમ છલકાયા બાદ આજે સવારે સુધીમાં વધુ ચાર ડેમ છલકાઈ ગયા છે.
ગઈકાલના ભારે વરસાદના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સૌથી મોટો ગણાતો વર્તુ- 2 ડેમ જેની સપાટી 38.80 ફૂટની નિયત થઈ જતા રાત્રિના સમયે આ ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા હતા. ગઈકાલે મીણસાર, વેરાડી – 1, કબરકા અને સુનમતી ડેમ બાદ આજે વેરાડી- 2, વર્તુ- 2, વર્તુ- 1 તથા મહાદેવીયા મળી કુલ ચાર ડેમ સાથે બે દિવસમાં 8 ડેમ છલકાઈ ગયા છે.
જ્યારે 28 ગામોની જીવાદોરી સમાન ઘી ડેમમાં એક દિવસના વરસાદથી શહેરને ત્રણ માસ ચાલે તેટલો નવો પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે. આ સાથે સિંધણી, શેઢા ભાડથરી, કંડોરણા, ગઢકી સહિતના ડેમોમાં પણ નોંધપાત્ર નવું પાણી આવ્યું છે. આજના મુશળધાર વરસાદના પગલે હજુ પણ તમામ સ્ત્રોતોમાં પાણીની ધીંગી આવક ચાલુ છે.