જામનગર નજીક ખીજડિયા બાયપાસ પાસે એક દૂધ ભરેલો ટેમ્પો બંધ ટ્રકની પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્મતમાં ટેમ્પોની કેબિનનો ચાલક કેબિનની અંદર ફસાયો હતો જેને ફાયરની ટીમની મદદથી દરવાજા કાપીને બહાર કાઢવો પડયો હતો અને હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે ટેમ્પોમાંથી દૂધ ઢોળાઈ ગયું હોવાથી માર્ગ પર દૂધની નદી વહી હતી.
આ અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતો મયુર નારણભાઈ મોરી નામનો યુવાન સવારે સાડા છ વાગ્યાના અરસામાં પોતાનો દૂધ ભરેલો ટેમ્પો લઇને દરેડથી ધ્રોલ તરફ દૂધ પહોંચાડવા માટે જઈ રહ્યો હતો. જે દરમિયાન ખીજડિયા બાયપાસ પાસે માર્ગ ઉપર બંધ પડેલા એક ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ પડતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે ટેમ્પોની કેબિન ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર બોલાવવી પડી હતી અને મશીનરીની મદદથી ટેમ્પોને ટ્રકની બહાર ખેંચી દરવાજા કાપીને ઈજાગ્રસ્ત યુવાનને બહાર કાઢવો પડયો હતો. જેને 108 ની ટીમ મારફતે સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતના કારણે ટેમ્પોમાંથી દૂધનો જથ્થો પણ ઢોળાઈ ગયો હતો અને માર્ગ પર દૂધની નદી વહી હતી.
ખીજડિયા નજીક બંધ ટ્રક પાછળ દૂધ ભરેલો ટેમ્પો ઘૂસ્યો
અકસ્માત થતાં માર્ગમાં દૂધની નદી વહી: ઈજાગ્રસ્ત ચાલકને 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયો