રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કુંવરબાઈ જૈન ધર્મશાળા ખાતે મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ જામનગર દ્વારા આયોજિત શિક્ષક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિવૃત્ત થતાં 21 શિક્ષકો તથા શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર 14 શિક્ષકોનું મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વખતથી રાજ્યમાં ગુણોત્સવ, શાળા પ્રવેશોત્સવ, મધ્યાહન ભોજન યોજના, શાળા આરોગ્ય તપાસણી સહિતના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા.રાજ્ય સરકારની શ્રેષ્ઠ શિક્ષણ નીતિઓ તેમજ શિક્ષકોના અથાગ પરિશ્રમના કારણે આજે સરકારી શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ખૂબ જ ઘટ્યો છે તેમજ ખાનગી શાળાઓમાંથી વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ મેળવતા થયા છે. સરકાર દ્વારા શિક્ષકોની પારદર્શી ભરતી પ્રક્રિયા, મેરીટ આધારિત ભરતી, બદલીના સરળ નિયમો વગેરેના કારણે શિક્ષકોમાં પણ ખૂબ જ ઉત્સાહ વધ્યો છે જેની સીધી હકારાત્મક અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર જોવા મળી રહી છે.
આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા તથા ઉપાધ્યક્ષ પ્રજ્ઞાબા સોઢા, આગેવાન વિમલભાઈ કગથરા, હસમુખભાઈ હિંડોચા, પ્રકાશભાઈ બાંભણિયા, જિલ્લા શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ, મહાનગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ખાખરીયા, મહામંત્રી રાકેશભાઈ માકડીયા તથા કારોબારી સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.