દ્વારકા જિલ્લાના સલાયા ગામના વહાણવટીનું 750 ટનની ક્ષમતાવાળુ વહાણ સિકોતેર ટાપુ નજજીક ડુબી ગયું હતું. જો કે આ વહાણમાં રહેલા નવ ખલાસીઓ પૈકીના આઠને બચાવી લેવામાં આવ્યાં હતાં. જ્યારે એક ખલાસી લાપતા થઈ જતાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામમાં રહેતાં અને વહાણવટીનો વ્યવસાય કરતા હનિફ હાસમ સંઘારની માલિકીની બીડીઆઇ 284 નંબરનું ‘સફિના અલ જિલાની’ નામનું 750 ટનની ક્ષમતાવાળુ વહાણ સલાયાથી 26 મે ના રોજ સિમેન્ટ ભરીને રવાના થયું હતું અને ત્યારબાદ ગત તા.29 ના વહેલીસવારે ખરાબ હવામાનને કારણે વહાણનું જોખમ વધી ગયું હતું. વહાણ સીકોતેર ટાપુ પાસે પહોંચ્યુ ત્યારે દરિયાના ખરાબ હવામાનને કારણે જોતજોતમાં સિમેન્ટ ભરેલું વહાણ દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયું હતુ અને વહાણમાં રહેલા નવ ખલાસીઓ પોતાનો જીવ બચાવવા આખરી પ્રયાસ કરી રહ્યા હતાં તે પૈકીના આઠ ખલાસીઓ તેમનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતાં. જ્યારે આદમ હસન નામના એક ખલાસીનો પતો લાગતો ન હતો.
દરિયામાં વહાણ ડુબવાના કારણે આઠ ખલાસીઓએ પોતાનો જીવ બચાવી લેતા યમનના સ્કોટ્રા પોર્ટની માછીમારી બોટે આ આઠેય ખલાસીઓને દરિયામાંથી બચાવી લઇ દરિયાકિનારે પહોંચાડી દીધા હતાં. જ્યારે લાપતા રહેલા ખલાસીની શોધખોળ કરવામાં આવી રહી છે. પરંતુ ભાળ મળવાની શકયતા નહીવત જણાઈ રહી છે. સલાયાનું વહાણ ડુબવાની જાણ ઇન્ડીયન સેલિંગ વેસલ એસોસિયેશનનાં સેક્રેટરી આદમ ભાયા દ્વારા ભારતીય એમ્બેસીમાં કરવામાં આવી હતી. દરમિયાન સલાયાનું સિમેન્ટ ભરેલું 750 ટનની ક્ષમતાવાળુ વહાણ સિકોતેર ટાપુ નજીક જળ સમાધિ લેતા અને એક ખલાસી લાપતા થવાથી સલાયાના વહાણવટીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.