જામનગર તાલુકાના ધુડશિયા ગામમાં આવેલા વોડીસાંગ ડેમની કેનાલની સફાઈનું કામ જોવા ગયેલા સરકારી કર્મચારીને એક શખ્સે અપશબ્દો બોલી ઝપાઝપી કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગરના રામેશ્ર્વરનગર નંદન પાર્ક 1 માં રહેતાં ધનરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના સરકારી કર્મચારી ગત તા.16 ના રોજ શુક્રવારે સાંજના સમયે વોડીસાંગ ડેમ નજીક આવેલી કેનાલનું સફાઈ કામ ચાલું હતું તે વિઝિટ કરવા માટે સ્થળ પર ગયા હતાં ત્યારે લાલુ પોલા ડોબરીયા નામના શખ્સે કર્મચારીને પથ્થર હટાવવા બાબતે જેમફાવે તેમ અપશબ્દો બોલી ઝપાઝપી કરી અને મારી નાખવાની ધમકી આપી હતી. હુમલો કરી સરકારી ફરજમાં રૂકાવટ કરી હતી. આ બનાવ અંગે ધનરાજસિંહ દ્વારા જાણ કરાતા હેકો ડી.એ. રાઠોડ તથા સ્ટાફે લાલુ વિરુધ્ધ ફરજમાં રૂકાવટ અને ધમકીનો ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.