ભાણવડ પંથકમાં સ્થાનિક પી.એસ.આઈ. પી.ડી. વંદા તથા એમ.ડી. ગઢવીના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ જાડેજા તથા મનહરસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડ નજીકના બરડા ડુંગર વિસ્તારમાં આવેલા બારીતળાવ નેસ વિસ્તારમાંથી પોલીસે દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી ઝડપી પાડી હતી. જેમાં પોલીસે દેશી દારૂ, દારૂ બનાવવાનો આથો તેમજ દારૂ બનાવવાના સાધનો સહિત કુલ રૂપિયા 6,800 નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો.
જો કે આ સ્થળેથી આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો. જે અંગેની તપાસમાં આ દારૂની ભઠ્ઠી આ જ વિસ્તારમાં રહેતા સામત ઉર્ફે હકા દાના રબારી નામના શખ્સ દ્વારા ચલાવવામાં આવતી હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. જેથી પોલીસે સામત ઉર્ફે હકા રબારીને હાલ ફરાર ગણી, પ્રોહી. એક્ટ હેઠળ આગળની તપાસ હાથ ધરી છે.