ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર મંગળવારે રાત્રિના સમયે પુરપાટ વેગે જઈ રહેલી એક મોટરકારના ચાલકે રિક્ષાને પાછળથી ટક્કર મારતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી અને તેના ચાલકનું સ્થળ પર જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવની વિગત એવી છે કે ખંભાળિયામાં આવેલી વાય.કે.જી.એન. સોસાયટી ખાતે રહેતા અને રીક્ષા ચલાવતા અનવરશા રહેમાનશા શાહમદાર નામના 55 વર્ષના પ્રૌઢ મંગળવારે રાત્રે આશરે 10:30 વાગ્યાના સમયે તેમના વાસ્પા રીક્ષા લઈને જઈ રહ્યા હતા. ત્યારે ખંભાળિયા-દ્વારકા હાઈવે પર પાયલ ચોકડી નજીક પહોંચતા પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક જઈ રહેલી જી.જે. 37 એમ. 7580 નંબરની કારના ચાલકે અનવરશા શાહમદારની વાસ્પા રીક્ષાને પાછળથી ઠોકર મારી હતી.
આ ટક્કરના કારણે રીક્ષા રોડની એક બાજુ પલટી ખાઈ ગઈ હતી અને રીક્ષા ચાલકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં ઇમર્જન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ સમગ્ર બનાવવા અંગે મૃતકના પુત્ર નખીલશા અનવરશા શાહમદાર (ઉ.વ. 19) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા કારના ચાલક સામે જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.