દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે અવિરત રીતે ભારે વરસાદ વરસવાના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાના બનાવ બન્યા છે. જેમાં ખાસ કરીને કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે ઠેર ઠેર પાણી ભરાતા લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાવલના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા અગાઉ અનેક વખત રાવલ ગામ વિખૂટું પડી ચૂક્યું છે. જામ રાવલ પાસેના પાસોડી નજીકના વિસ્તારમાં હાઈવે માર્ગ પરથી શ્રમિકોને લઈને જઈ રહેલી એક છકડો રિક્ષા ગઈકાલે પાણીમાં ખાબકી હતી.
જામ રાવલ નજીક આવેલા પાસોડી ગામ પાસેના વિસ્તારમાં આવેલ હાઈવે માર્ગ પાસેના ખેતરોમાં પાણી ભરેલા હોય, રીક્ષા ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા રીક્ષામાં સવાર આશરે 15 જેટલા મજૂર સાથેનો આ રીક્ષા રોડ નીચે પાણીમાં ખાબકી હતી. જેથી તમામ ઈજાગ્રસ્ત મુસાફરોને પ્રાથમિક સારવાર અર્થે રાવલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી એકની હાલત ગંભીર હોય, વધુ સારવાર માટે ખંભાળિયાની સીવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે આ અક્સ્માતમાં મોટી જાનહાનિ ટળી હતી.