ધ્રોલ ગામમાં ચાર ચોક પાસે રહેતા નિવૃત્ત વૃદ્ધના મકાનના મુખ્ય દરવાજાના તાળા તોડી તસ્કરોએ લોખંડના પતરના ટંકમાં રાખેલી રૂા.60000 ની રોકડ રકમ અને રૂા.70 હજારની કિંમતનું 20 ગ્રામનું સોનાનું બીસ્કીટ મળી કુલ રૂા.1,30,000 ની ટંક જ ચોરી કરી ગયા હતાં. તેમજ ગાંધીચોક વિસ્તારમાં આવેલી જીટીપીએલની ઓફિસમાંથી તસ્કરોએ રૂા.1,11,000 ની કિંમતના કોમ્પ્યુટર સહિતનો સામાન ચોરી કરી ગયા હતાં.
જામનગર શહેર અને જિલ્લામાં ફરી તસ્કરોનો તરખાટ વધી ગયો છે. જામનગર શહેર અને ધ્રોલમાં બે સ્થળો સહિત ત્રણ સ્થળોએ ચોરીની ઘટનામાં લાખોની માલમતા તસ્કરો ઉસેડી ગયા છે. જેમાં ધ્રોલ ગામના ચાર ચોક પાસે મોરબીનાકા વિસ્તારમાં રહેતાં નિવૃત્ત વસંત પ્રેમજીભાઈ કણજારીયા (ઉ.વ.72) નામના વૃદ્ધના મકાનમાંથી ગત તા.24ના મધ્યરાત્રિથી વહેલીસવારના 5:30 વાગ્યા સુધીના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ મકાનના મુખ્ય રૂમના દરવાજાના તાળા તોડી મકાનમાં પ્રવેશી રૂમમાં રાખેલી લોખંડના પતરાની ટંકમાં રૂા.60 હજારની રોકડ રકમ અને બેંક ઓફ બરોડાના નામ નિશાન વાળુ રૂા.70 હજારની કિંમતનું 20 ગ્રામ સોનાનું બીસ્કીટ તથા કપડા સહિતનો રૂા.1,30,000 ની કિંમતની માલમતા ભરેલો લોખંડનો ટંક જ તસ્કરો ચોરી કરીને લઇ ગયા હતાં. ચોરીની ઘટનાની વૃદ્ધ દ્વારા જાણ કરાતા પીએસઆઈ પી.જી.પનારા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો બનાવ, ધ્રોલ ગામના ગાંધીચોક વિસ્તારમાં આશાપુરા એન્ટરપ્રાઈઝ નામની જીટીપીએલ નેટવર્કની ઓફિસ ધરાવતા ધર્મરાજસિંહ લખધીરસિંહ જાડેજાની ઓફિસમાં ગત તા.24 ની મધ્યરાત્રિના સમયે તસ્કરો ત્રાટકયા હતાં અને ઓફિસમાં પ્રવેશ કરી જીપોન કંપનીનું ઓએલટી મોેડલ નંબર એલ 3 તથા ફીઝીકુરાનુ સ્પાઈસન મશીન રૂા.60 હજારનું તથા રૂા.15 હજારની કિંમતનું ડેલ કંપનીનું કોમ્પ્યુટર અને રૂા.6000 ની કિંમતનું પ્રિન્ટર તથા હુવાઈ કંપનીની રૂા.20 હજારની કિંમતની સ્પોર્ટસ સ્વીચ તથા એફઆરપી કેબલ એફટીટીએચ બોકસ રૂા.10 હજાર સહિત કુલ રૂા.1,11,000 ની કિંમતનો સામાન અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયાની જાણ કરાતા પીએસઆઈ પી.જી.પનારા તથા સ્ટાફે ગામમાં એક જ રાતે થયેલી બે ચોરીની ઘટનાઓમાં અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી તસ્કરોનું પગેરૂ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં.