ચોમાસાની શરૂઆત થાય અને સામાન્ય વરસાદ થતા થોડીકવાર એકધારો બે થી ત્રણ ઈંચ વરસાદ વરસી જાય પછી જામનગર શહેરના રસ્તાઓ પર હલ્કી ગુણવતાના કારણે ઠેક-ઠેકાણે મોટામોટા ખાડાઓ દ્રશ્યમાન થઈ જતા હોય છે. આ વાત માત્ર જામનગર પૂરતી સિમિત નથી. રાજ્યના દરેક શહેરો અને ગામોમાં પરિસ્થિતિ એક સરખી જ છે. થોડો વરસાદ વધુ પડે કે ખાડાઓમાં રસ્તા તારવીને વાહન ચલાવવા પડે તેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. વર્ષોથી રાબેતામુજબ આવી સ્થિતિ સર્જાતી હોવા છતાં તંત્ર દ્વારા સરકારી કામોમાં ગુણવતા બાબતે કયારેય પણ ગંભીરતા દાખવવામાં આવી નથી. નીચાણવાળા અને વિકસિત વિસ્તારોની તો વાત જ ન થાય. પરંતુ, શહેરના પોશ વિસ્તારોમાં કે જ્યાંથી મહાનગરપાલિકા અને તંત્રની સૌથી વધુ આવક ટેકસના રૂપે મળતી હોય છે. તેવા વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત પછી રસ્તાઓની પરિસ્થિતિ અતિશય ખરાબ થઈ જાય છે અને પોશ વિસ્તારોમાં રસ્તાઓ પર જ્યાં-ત્યાં તંત્રની બેદરકારીના કારણે આડેધડ બનાવાયેલા રોડ પર એક ઠેકાણે પાણી અને વરસાદી કીચડ જોવા મળતું હોય છે. અત્યારે વાત જામનગર શહેરના પોશ ગણાતા એવા સ્વસ્તિક સોસાયટીમાં કે જ્યાં સૌથી વધુ વેરો ચૂકવતી પ્રજા રહે છે. ત્યાં પણ ગંદકીનું સામ્રાજ્ય અવિરત રહેતું હોય છે. આ વર્ષે ચોમાસાની શરૂઆત બાદ સ્વસ્તિક સોસાયટીમાં પાણીના ખાબોચીયા અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે એક તરફ ગંદકી અને વરસાદીના પાણીના નિકાલના અભાવના કારણે રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બની જાય છે તો બીજી તરફ ચોમાસાની શરૂઆત બાદ જ જામનગર શહેર અને જિલ્લા ઉપરાંત રાજ્યભરમાં કોલેરા, મેલેરીયા, ચાંદીપુરા, ડેન્ગ્યુ જેવા રોગોચાળાએ માઝા મૂકી છે. ત્યારે તંત્રએ રોગચાળો ડામવા અને અટકાવવા માટે સૌપ્રથમ તો સમગ્ર શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય ખતમ કરી દેવું જોઇએ અને ત્યારબાદ રોડ પર ઘણાં દિવસો સુધી અવિરત ભરાતા વરસાદી પાણીના નિકાલનું લાંબાગાળાનું આયોજન અને ભવિષ્યમાં કયારેય વરસાદી પાણી રોડ પર ન ભરાય તેવી કામગીરી કરવી જોઇએ તેવી લોકમાંગણી ઉઠી રહી છે.