જામનગર શહેરમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પાસે આવેલા યુનિક કોમ્પ્લેસમાં આવેલી હોટલમાંથી સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન 468 બોટલ દારુ અને 10 નંગ બિયરના ટીન સાથે શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ જામનગર શહેરમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સામે આવેલ યુનિક કોમ્પ્લેકસમાં ગ્રાઉન્ડ ફલોરમાં દુકાન નં. 9માં હરીશ હોટલમાં દારુ અને બિયરનો જથ્થો હોવાની બાતમીના આધારે પીઆઇ પી.પી. ઝા તથા પીએસઆઇ કે.ડી.જાડેજા સહિતના સ્ટાફે રેઇડ દરમિયાન હોટલમાં તલાસી લેતાં તેમાંથી રૂા. 65550ની કિંમતની 468 બોટલ જુદી જુદી બનાવટની દારુની બોટલો મળી આવી હતી અને રૂા. 1500ની કિંમતના 10 નંગ બિયરના ટીન મળી કુલ રૂા. 68050નો મુદામાલ મળી રૂા. 5000ની કિંમતના એક મોબાઇલ ફોન સહિત કુલ રૂા. 73050ના મુદામાલ સાથે પ્રદિપ મેઘજી ગોહિલ નામના શખ્સને દારુ અને બિયરના જથ્થા સાથે ઝડપી લઇ પૂછપરછ આરંભી હતી. બીજો દરોડો જામનગર તાલુકાના સિક્કા ગામમાં જી-ટાઇપ કોલોની વિસ્તારમાંથી સ્થાનિક પોલીસે મનોજ રણછોડ અલગોતર નામના શખ્સને રૂા. 500ની કિંમતની દારુની એક બોટલ સાથે ઝડપી લીધો હતો. તેમજ જામનગરના નવાગામ ઘેડમાં મધુવન સોસાયટીમાંથી સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટાફે ભીખુ મોહન ચુડાસમાને દારુની બોટલ સાથે ઝડપી લીધો હતો.