કલ્યાણપુર પંથકના સ્થાનિક પોલીસે ગઈકાલે અનધિકૃત રીતે બોકસાઈટનો જથ્થો લઈને નીકળેલા એક ટ્રકને નંદાણા ગામ પાસેથી ઝડપી પાડ્યો હતો.
દ્વારકા જિલ્લાના કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પી.એસ.આઈ. યુ.બી. અખેડની સૂચના મુજબ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા ગઈકાલે ગુરુવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન કલ્યાણપુર મહાદેવીયા ગામ તરફથી નંદાણા ગામ તરફ જતા જીજે-01-બીવાય-6176 નંબરના એક ટ્રકને પોલીસ કોન્સ્ટેબલ લખમણભાઈ કારાવદરાની માહિતીના આધારે અટકાવી, ચેકિંગ કરવામાં આવતા આ ટ્રકમાં બોકસાઈટના પથ્થર ભરેલો જથ્થો મળી આવ્યો હતો.
આમ, બિનઅધિકૃત રીતે બોકસાઈટ ભરીને જતા ટ્રકના ચાલકને મુદ્દામાલ સાથે ઝડપી લઇ, તેની સામે કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત ગેરકાયદેસર મનાતા આ બોક્સાઈટના જથ્થા અંગે જિલ્લા ખાણ ખનીજ વિભાગને પણ આગળની કાર્યવાહી માટે રિપોર્ટ કરવામાં આવ્યો હતો.