જામનગરમાં ટ્રક એન્ડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઇ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આ અંગે તાત્કાલિક યોગ્ય પગલાં લેવા માંગણી કરવામાં આવી હતી. જો આ અંગે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારાઈ છે.
જામનગર ટ્રક એન્ડ ટ્રાન્સપોર્ટ એન્ડ ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા કલેકટરને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જામનગર જિલ્લામાં અનેક નાની મોટી કંપનીઓ આવેલી છે. જેથી બેડી બંદર પર લોડીંગ તથા અનલોડીંગની કામગીરી ખૂબ મોટા પ્રમાણમાં ચાલુ હોય છે. જેમાં અમુક મોટા વગવાળા વ્યક્તિઓના જ ટ્રકો ડમ્પરો ચાલે છે નાના એક બે ટ્રક, ડમ્પરધારકોને લોડીંગ અનલોડીંગની કામગીરી મળતી નથી. જેથી ઓછા ટ્રકો, ડમ્પરો ધરાવતા કે કોઇપણ જાતની વગ ન ધરાવતા હોય તેવા ટ્રક ડમ્પર ઓનર્સને ભુખે મળવાનો વારો આવે છે. બેડી બંદર એ ગુજરાત મેરીટાઈમ બોર્ડનું છે છતાં કેટલાંક વગવાળા વ્યક્તિઓ પોતાના પ્રાઈવેટ બંદર હોય તે રીતે કામ કરે છે. અન્ય કોઇ ટ્રક કે ડમ્પરને કામગીરી કરવા દેતા નથી અને જો કરવા દે છે તો ખુબ જ ઓછા ભાવ આપે છે અને નાના ટ્રક ડમ્પર ઓનર્સનું શોષણ થાય છે.
આથી બેડી બંદર પર લોડીંગ-અનલોડીંગનું કામ કોઇપણ જાતના ભેદભાવ વગર તમામ ટ્રક, ડમ્પર ઓનર્સને મળે તે માટે તાત્કાલિક પગલાં લેવા માંગણી કરાઈ છે. જો આ અંગે પંદર દિવસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારાઇ છે. એસોસિએશનના પ્રમુખ નારુભા ગોહિલ સહિતના દ્વારા આવેદનપત્ર પાઠવાયું હતું.