લાલપુર તાલુકાના મેઘપર ગામમાં આવેલા રહેણાંક મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન 60 બોટલ દારૂ સાથે એક શખ્સને ઝડપી લઇ મકાનમાલિક સહિતના બે શખ્સો નાશી ગયા હોય જેથી ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
દરોડાની વિગત મુજબ, લાલપુર તાલુકાના મેઘપરમાં રાધા-ક્રિષ્ના મંદિરવાળી શેરીમાં રહેતાં ભગીરથસિંહ શિવુભા પીંગળના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે મેઘપર પોલીસે રેઈડ દરમિયાન મકાનમાં તલાસી લેતા રૂા.30 હજારની કિંમતની ઇંગ્લીશ દારૂની 60 બોટલો મળી આવતા પોલીસે ગીરીરાજસિંહ ભરતસિંહ પીંગળની અટકાયત કરી હતી અને દારૂના જથ્થા સાથે રૂા.5000 ની કિંમતનો એક મોબાઇલ મળી કુલ રૂા.35 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ગીરીરાજસિંહની પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો તેના પિતા ભગીરથસિંહ સાથે વેચાણ માટે મંગાવ્યો હોવાનું અને દારૂનો જથ્થો અજયસિંહ ઉર્ફે મટકુ જાડેજા પાસેથી ખરીદ્યાની કેફીયત આપતા પોલીસે પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી અન્ય બે શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.