જામનગર શહેરના ભીમવાસ વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન રૂા. આઠ હજારની કિંમતની ઈંગ્લીશ દારૂની સોળ બોટલો સાથે શખ્સને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી. લાલપુર ગામમાંથી પોલીસે શખ્સને દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના ભીમવાસ શેરી નં.1 માં રહેતા સુનિલ ઉર્ફે ધમો વિપુલ ધવલ નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.આઠ હજારની કિંમતની દારૂની સોળ બોટલો મળી આવતા પોલીસે સુનિલની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા દારૂના જથ્થામાં મુકેશ વિપુલ ધવલ અને આકાશ વિપુલ ધવલ નામના તેના જ બે સગા ભાઈઓ સંડોવાયેલા હોવાની કેફીયત આપતા પોલીસે ત્રણ ભાઈઓ વિરૂધ્ધ ગુનો નોંધી નાશી ગયેલા બે ભાઈઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. બીજો દરોડો, લાલપુર ગામમાં જામનગર તરફના માર્ગ પરથી સ્થાનિક પોલીસે ફીરોજ તાલબ સુભણિયા નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.500 ની કિંમતની દારૂની બોટલ મળી આવતા પોલીસે ફિરોજની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.


