જામનગર તાલુકાના મસીતિયા ગામની સીમમાંથી એસઓજીની ટીમે ગેરકાયદેસર પરવાના વગરના હથિયાર અને 10 નંગ કાર્ટીસ સાથે બે શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગર તાલુકાના મસીતિયા ગામની સીમમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે શખ્સ પસાર થવાની મળેલી બાતમીના આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી ફિરોઝ મુસા ખફી (લાખાબાવળ) નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી પાંચ હજારની કિંમતના ગેરકાયદેસર હથિયાર અને 10 નંગ કાર્ટીસ સહિત રૂા.6000 નો સામાન મળી આવતા તેની ધરપકડ કરી હતી. તેમજ આ હથિયાર તેના ભાઈ અબ્બાસ મુસા નામના શખ્સનું પરવાના વાળુ હોવાનું ખુલતા એસઓજીએ બન્ને ભાઈ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.