ધ્રોલ ગામમાં ગાયત્રીનગરમાં રહેતાં શખ્સના મકાનમાંથી સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રૂા.17,500 ની કિંમતની 35 બોટલ દારૂ મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામજોધપુર તાલુકાના ગીંગણી ગામ નજીકથી પસાર થતા શખ્સે પોલીસને જોઈ જતાં દારૂની બોટલ મુકી નાશી ગયો હતો.
દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો ધ્રોલ ગામમાં આવેલા ગાયત્રીનગર વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હેકો રાજેશ મકવાણા, પો.કો. હરદેવસિંહ જાડેજા, અને નાગજીભાઈ ગમારાને મળેલી બાતમીના આધારે ધ્રોલ પીએસઆઈ પી.જી.પનારા, હેકો રાજેશભાઈ મકવાણા, એચ.બી. સોઢીયા, પો.કો. રઘુવીરસિંહ જાડેજા, કિશોર ડાભી, નાગજીભાઈ ગમારા, જતિન ગોગરા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.17500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 35 બોટલ મળી આવતા પોલીસે છગન ઉર્ફે ભુરો વિહા બાંભવા નામના શખ્સની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો વાંકાનેરના કિશન દ્વારા સપ્લાય કરાયો હોવાની કેફિયતના આધારે પોલીસે બંને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામજોધપુર તાલુકાના ગીંગણી ગામ નજીકથી પસાર થતા જુગલ રબારી નામના શખ્સને પોલીસે આંતરવાનો પ્રયાસ કરતા જુગલ રૂા.1000 ની કિંમતની દારૂની બે બોટલ મૂકીને પલાયન થઈ ગયો હતો. તેના આધારે પોલીસે દારૂની બોટલ કબ્જે કરી નાશી ગયેલા જૂગલને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી હતી.