જામનગર શહેરમાં નાગનાથ ગેઈટ પાસે ભાડાના મકાનમાં રહેતાં શખ્સના ઘરે પોલીસે તલાસી લેતા રૂા.31 હજારની કિંમતની દારૂની 62 બોટલ મળી આવતા પોલીસે એકસેસ બાઈક અને દારૂના જથ્થા સાથે શખ્સને ઝડપી લઇ અન્ય શખ્સની શોધખોળ આરંભી હતી. જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે રૂા.14 હજારની કિંમતની 28 બોટલ દારૂ કબ્જે કરી શખ્સની શોધખોળ આરંભી હતી.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરમાં નાગનાથ ગેઈટ મહેશ્વરીનગર ચોક વિસ્તારમાં રહેતાં ગૌતમ ઉર્ફે દિલો દેવા મકવાણા નામના શખસના મકાનમાં પીએસઆઈ બી એસ વાઢેર તથા સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી 30 હજારથી કિંમતની ઈંગ્લીશ દારૂની 60 બોટલો મળી આવી હતી.તેમજ એકસેસ બાઈકમાંથી વધુ બે બોટલ મળી આવતા પોલીસે રૂા.31 હજારની કિંમતની 62 બોટલ અને એકસેસ કબ્જે કરી ગૌતમની અટકાયત કરી હતી. આ દારૂના જથ્થામાં ગૌતમના મિત્ર અને પાર્ટનર રાહુલ વિરમ રોશીયાની સંડોવણી હોવાની ગૌતમની કેફીયતના આધારે પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી રાહુલની શોધખોળ આરંભી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં નવાગામ ઘેડ ઈન્દીરા સોસાયટીમાં રહેતાં દિવ્યેશ પારગી ચાવડાના મકાનમાંથી તલાસી લેતા રૂા.14000 ની કિંમતની દારૂની 28 બોટલો મળી આવતા હે કો આર.ડી.વેગડ તથા સ્ટાફે દિવ્યેશની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. ત્રીજો દરોડો, ધ્રોલ તાલુકાના લતીપર ગામના બસ સ્ટેન્ડ પાસેથી સ્થાનિક પોલીસે રાહુલ ઉર્ફે કાનો વાચ્છા ગમારા નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.2000 ની કિંમતની ચાર નંગ ઈંગ્લીશ દારૂની બોટલો અને રૂા.1400 ની કિંમતના 14 બીયરના ટીન તથા એક મોબાઇલ મળી આવતા પોલીસે રૂા.8400 નો મુદ્દામાલ સાથે રાહુલની ધરપકડ કરી હતી.