જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર મોખાણા ગામના પાટીયા પાસે રહેલા પ્રૌઢને પૂરઝડપે બેફીકરાઇથી આવતી ઈકો કારના ચાલકે હડફેટે લઇ ઈજા પહોંચાડતા મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવમાં પોલીસે કારચાલક વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભ હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં વાછરા દાદાના મંદિરની બાજુમાં રહેતા અને મજૂરી કામ કરતા જમનભાઈ ચનાભાઈ પરમાર (ઉ.વ.52) નામના પ્રૌઢ ગત તા. 8 ના રોજ રાત્રીના સમયે જામનગર-રાજકોગ ધોરીમાર્ગ પર આવેલા મોખાણા ગામના પાટીયા પાસે હોટલ નજીક રોડ પર ઉભા હતાં તે દરમિયાન પૂરઝડપે બેફીકરાઇથી આવી રહેલી જીજે-10-સીએન-7924 નંબરની ઈકો કારના ચાલકે પ્રૌઢને હડફેટે લઇ ઠોકરે ચડાવતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર અનિલભાઇ પરમાર દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.