કલ્યાણપુર તાલુકાના રાજપરા ગામમાં રહેતા પ્રૌઢે અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. દ્વારકા જિલ્લાના ઓખા મઢી ગામની સીમમાં ઇલેકટ્રીક થાંભલા ઉપર તાર બદલાવવાનું કામ કમરી રહેલો યુવાન ઈલેકટ્રીક ઈન્ડકશનને અડી જતાં વીજશોક લાગતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઓખાના આરંભડામાં રહેતાં વૃધ્ધાનું બીમારી સબબ મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ, કલ્યાણપુર તાલુકાના રાજપરા ગામે રહેતા બાલુભાઈ રામાભાઈ કેશવાલા (ઉ.વ.53) નામના ગત તારીખ 16 મીના રોજ ચપર ગામે આવેલા એક મંદિર પાસે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ અંગેની જાણ મૃતકના પુત્ર સંજયભાઈ બાલુભાઈ કેશવાલા દ્વારા જાણ કરાતા પોલીસે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, બિહાર રાજ્યના મનીહારી જિલ્લાના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના બામણાસા ગામે રહેતા મોહમદ સંજર મોહમદ અલીમુદીન સલામા (ઉ.વ.22) નામના યુવાન થોડા દિવસો પૂર્વે દ્વારકા નજીકના ઓખા મઢી ગામની સીમમાં આવેલી વિન્ડ વર્લ્ડ કંપનીના ટાવર નંબર 6 ની બાજુમાં આવેલા ઈલેક્ટ્રીક લોખંડના થાંભલા ઉપર તાર બદલવાનું કામ કરી રહ્યા હતા, ત્યારે તેની બાજુમાંથી પસાર થતી 33 કે.વી. લાઈનના ઇલેક્ટ્રીક પ્રવાહના વિસ્તારમાં આવતા ઈલેક્ટ્રીક ઇન્ડકશનને અડી જતા ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં મોહમદ સલામાનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ જામનગરના રહીશ અમિતકુમાર દ્વિવેદી દ્વારા કરાતા દ્વારકા પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ યુવાનના મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા જેતુબેન હુસેનભાઇ સહિયા (ઉ.વ.63) નામના વૃધ્ધાને ડાયાબિટીસ અને શ્વાસની બીમારી સબબ તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ઈકબાલભાઈ ભટ્ટી દ્વારા જાણ કરાતા મીઠાપુર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.