જામનગર શહેર અને જિલ્લામાં હોટલોનો નોંધપાત્ર વધારો થયો હોવાથી પોલીસ વિભાગ દ્વારા દરેક હોટલે ચેકિંગ કરવાની કામગીરી મુશ્કેલ બની હોવાથી અધિક જિલ્લા મેજીસ્ટે્રટ દ્વારા હોટલ અને ગેસ્ટહાઉસ ધારકોએ અમદાવાદ પોલીસ દ્વારા તૈયાર કરાયેલી ‘પથિક’ એપ્લીકેશનની અમલવારી કરવાનું જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે.
રાજ્યમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતો જામનગર જિલ્લો હંમેશા સંવેદનશીલ રહ્યો છે અને તેના કારણે આતંકવાદી પ્રવૃત્તિઓમાં આ દરિયાકિનારાનો ઉપયોગ અગાઉ કરાયો હોવાનું પોલીસ દફતરે નોંધાયેલું છે. ત્યારે આવા સંવેદનશીલ જિલ્લામાં છેલ્લાં થોડા સમયથી હોટલ તથા ગેસ્ટહાઉસનો નોંધપાત્ર વધારો થયો છે. આ પરિસ્થિતિમાં ગેસ્ટ હાઉસ તથા હોટલમાં રોકાવા આવતી દરેક વ્યક્તિઓનું ચેકિંગ કે તલાસી દરેક સમયે કરવી મુશ્કેલ બનતી હોવાથી અમદાવાદ પોલીસ દ્વારા ‘પથિક’ નામના સોફટવેર બનાવવામાં આવ્યો છે. આ સોફટવેર જામનગર શહેર અને જિલ્લાના ગેસ્ટહાઉસ તથા હોટલ માલિકોએ અમલવારી કરવા માટેની દરખાસ્ત જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા કલેકટરને કરવામાં આવી હતી.
આ સંદર્ભે જામનગર અધિક જિલ્લા મેજીસ્ટે્રટ ભાવેશ ખેર દ્વારા કાયમી જાહેરનામુ પ્રસિધ્ધ કરી જામનગર શહેર અને જિલ્લાની હોટલ તથા ગેસ્ટહાઉસના સંચાલકોએ તંત્રને સહયોગ આપી પથિક સોફટવેર ઈન્સ્ટોલ કરી અમલવારી કરવાનું જાહેર કર્યુ છે. આ સોફટવેરની મદદથી પ્રિવેન્સન ઓફ ક્રાઈમ અને ડીટેકશન ઓફ ક્રાઈમમાં મહદઅંશે મદદ મળે છે. આ સોફટવેરની મદદથી શહેરની તમામ હોટલોમાં ચેકિંગ કરી શકમંદ વ્યક્તિઓની ઓળખ અને ચકાસણી કરી શકાય છે તેમજ તહેવારો, વીવીઆઈપી વીઝીટ અથવા તો ઇનપુટ સંબંધે ચેકિંગ કરવા માટે આ ‘પથિક’ સોફટવેર પોલીસ માટે બહુ ઉપયોગી નિવડી શકે તેમ છે.