કેન્સર પ્રત્યે માણસમાં સામાન્ય રીતે એવી સમજ પ્રવર્તી છે કે કેન્સર એટલે કેન્સલ. પરંતુ એવું નથી, વિજ્ઞાનના આધુનિકરણને કારણે અને અદ્યતન મશીનરીઓને કારણે કોઇપણ પ્રકારના કેન્સરની સારવાર હાલના સમયમાં સરકારી હોસ્પિટલોમાં પણ ઉપલબ્ધ છે અને શ્રેષ્ઠ સારવાર પુરી પાડી રહી છે.જામનગરની જી.જી. હોસ્પિટલ ખાસ કરીને મહિલાઓમાં થતાં બ્રેસ્ટ કેન્સર માટેની આધુનિક, સંપુર્ણ અને ઇન્ટિગ્રેડેટ સારવાર સેવા-સુવિધા કરાવે છે.
આપણાં સમાજમાં કેન્સરના દર્દીઓની સંખ્યા નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળે છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મોઢાના, ચામડીના તથા આંતરડાના તેમજ સ્તન કેન્સરના હજારો કેસો હોસ્પીટલોમાં નોંધાતા રહે છે, સરકારી હોસ્પીટલ ઉપરાંત ખાનગી હોસ્પીટલોમાં પણ લાખો રુપીયાના ખર્ચે લોકો કેન્સરની સારવાર કરાવતાં હોય છે, કારણ કે, શારીરિક રીતે તો કેન્સર મહારોગ છે જ, પરંતુ સાથે સાથે કેન્સરના નામનો ભય લોકોમાં એટલો મોટો છે કે, હિંમત ધરાવતાં લોકો પણ કેન્સરના નામથી ભાંગી પડતાં હોય છે, આપણે ત્યાં જામનગર સહિત સૌરાષ્ટ્રમાં કિશોરીઓ અને મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ જોવા મળે છે, આ ઉપરાંત ગર્ભાશયના કેન્સરના કેસો પણ નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળતા હોય છે, કેન્સરના રોગનું વધતું જતું પ્રમાણ ગંભીર અને ચિંતાનો વિષય છે, જેને પરિણામે આ રોગ વિશે જાગૃતિ ફેલાવવાના પ્રયાસો પણ સંબંધિત લોકો દ્વારા તથા સંસ્થાઓ દ્વારા થતાં હોય છે, આમ છતાં, ઘણી વખત જુદા જુદા કારણોસર કેન્સરના રોગની સારવાર પ્રાથમિક તબક્કામાં થવાને બદલે બીજા, ત્રીજા અથવા અંતિમ સ્ટેજમાં થતી હોવાને કારણે કેન્સરના દર્દીઓનું મૃત્યુનું પ્રમાણ પણ આંકડાઓમાં ગંભીર રીતે પ્રતિબિંબિત થતું રહે છે.
અત્રે આપણે માત્ર બ્રેસ્ટ કેન્સરની વાત કરીએ તો, સ્તનની અંદર આવેલા કોષોમાં અચાનક વૃદ્ધિ થવાને કારણે અને આ કોષો અનિયંત્રિત રીતે વિભાજીત થઇને અંતે કોષિકાઓનો જથ્થો બને છે, જેને આપણે સામાન્ય બોલ-ચાલની ભાષામાં ટ્યુમર અથવા કેન્સરની ગાંઠ કહીએ છીએ, કેટલાંક કિસ્સાઓમાં બ્રેસ્ટ કેન્સરની આ ગાંઠ પોતાની મુળ જગ્યાએથી ખસીને શરીરના અન્ય અંગમાં પણ સ્થાયી થઇ શકે છે, જેને હિસાબે બ્રેસ્ટ કેન્સર સિવાયના અન્ય કેન્સરો પણ થતાં હોય છે, સામાન્ય રીતે બ્રેસ્ટ કેન્સરમાં છાતીની ચામડીનો કલર બદલી જતો હોય છે, સ્તનની સાઇઝમાં ફેરફાર થતો જોવા મળતો હોય છે, આ ઉપરાંત ગાંઠને કારણે દર્દીને દર્દનો પણ તિવ્ર અનુભવ થતો હોય છે.
આપણે ત્યાં સામાન્ય રીતે કિશોરીઓ ઉપરાંત 35 થી 50 વર્ષની મહિલાઓમાં તેમજ 50 વર્ષથી વધુ વયની મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ નોંધપાત્ર ટકાવારીમાં જોવા મળે છે, વિજ્ઞાનના અને શરીરના નિયમો મુજબ પુરુષોમાં પણ આ પ્રકારના છાતીના કેન્સરનું પ્રમાણ જોવા મળતું હોય છે, પરંતુ તેની ટકાવારી 0.5 થી 1 ટકા જેટલી નોમીનલ હોવાને કારણે તે અંગે ખાસ કોઇ ચર્ચા થતી નથી, જો કે, બ્રેસ્ટ કેન્સર એવો રોગ છે કે, મહિલાઓમાં કોઇપણ ઉંમરે થઇ શકે છે.
જામનગરની જી.જી. હોસ્પીટલ બ્રેસ્ટ કેન્સર ધરાવતી કિશોરીઓ અને મહિલાઓ માટે આશિર્વાદરૂપ સ્થળ છે, કારણ કે અહીં સ્તન કેન્સરની તમામ પ્રકારની સેવા-સુવિધાઓ ઉપલબ્ધ છે, મેડીકલ કોલેજના ડીન ડો. નંદીની દેસાઇએ જણાવ્યું હતું કે, જી.જી. હોસ્પીટલમાં સ્તન કેન્સરના નિદાન-સારવાર માટે બાયોપ્સી-મેમોગ્રાફી અને કીમોથેરાપી સહિતની તમામ સેવા-સુવિધાઓ ઉપલબ્ધ છે, સ્તન કેન્સરના તમામ પ્રકારના ઓપરેશન જી.જી. હોસ્પીટલમાં વિના મૂલ્યે કરી આપવામાં આવે છે, આ ઉપરાંત આ વિભાગમાં ફરજ બજાવતાં ડો. કેતન મહેતાએ જણાવ્યું હતું કે, બ્રેસ્ટ કેન્સરમાં જે કોઇ આધુનિક મશીનરીઓની જરુર પડે છે તે તમામ મશીનરીઓ જી.જી. હોસ્પીટલમાં ઉપલબ્ધ છે અને કાર્યરત છે, આ ઉપરાંત ઇન્ટિગ્રેટેડ સારવાર માટે ઓન્કો ફીઝીશ્યન સહિતની વ્યવસ્થા જી.જી. હોસ્પીટલમાં કાર્યરત છે અને જામનગર તથા દ્વારકા સહિતના સમગ્ર સૌરાષ્ટ્રના હજારો લોકો ખાસ કરીને મહિલાઓ બ્રેસ્ટ કેન્સર માટેની સેવા-સુવિધા અને સારવાર જી.જી. હોસ્પીટલમાં પ્રાપ્ત કરી રહ્યા છે.
આ વિષય સંકોચ કે શરમનો નથી…!
સામાન્ય રીતે કિશોરીઓમાં અથવા મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનો પ્રારંભ રાયના દાણા જેવડી ગાંઠ કે અતિશય સામાન્ય દુ:ખાવો અથવા તો બ્રેસ્ટની ચામડીના રંગમાં ફેરફાર જેવા પ્રાથમિક લક્ષણો સાથે થતો હોય છે, પરંતુ આપણે ત્યાં વૈજ્ઞાનિક અભિગમ અને શિક્ષણના ઓછા પ્રમાણને કારણે તેમજ સામાજીક રીત-રિવાજો અને રુઢીઓ જેવી બાબતોને હિસાબે બ્રેસ્ટ કેન્સર અંગે એકદમ પ્રાથમિક તબક્કામાં કિશોરીઓ અને મહિલાઓ ઘરના પુરુષ સભ્યોની સાથે તો ઠીક, મહિલા સભ્ય સાથે પણ પ્રારંભના તબક્કામાં વાતચીત કરતાં અચકાતાં હોય છે, કિશોરીઓ અને મહિલાઓ સહિતના બ્રેસ્ટ કેન્સરના દર્દીઓએ સમજવું જોઇએ કે, આપણી ગુજરાતી કહેવત મુજબ ‘રોગ અને દુશ્મનને ઉગતો ડામી દેવો જોઇએ…’ આ પ્રકારના ભયાનક રોગના પ્રાથમિક તબક્કામાં કોઇપણ પ્રકારનો શરમ-સંકોચ રાખ્યા વિના દર્દી જો પરિવારના અથવા અન્ય સ્વજનોની મદદથી રોગ અંગેની સમજ અને નિદાન તેમજ સારવાર માટે આરોગ્ય નિષ્ણાંતોનો સંપર્ક કરે તો કેન્સરના બીજા, ત્રીજા અને અંતિમ તબક્કામાં સહેવી પડતી વેદના અને મુશ્કેલીઓ વગેરેમાંથી બચી શકે, અને જાગૃતિને પરિણામે બ્રેસ્ટ કેન્સરના રોગોને કારણે થતાં મૃત્યુના દરમાં પણ વ્હેલી સારવારને કારણે ઘટાડો કરી શકાય.