ભારતમાં હોલીકા દહન બાદ ધુળેટી એટલે ફુલડોલનું આયોજન અનેક મંદિરમાં કરવામાં આવે છે. દ્વારકા ખાતે ફુલડોલ ઉત્સવ દ્વારકાધીશ મંદિર પરીસરમાં યોજવામાં આવે છે. આ ઉત્સવમાં જોડાવવા માટે સમગ્ર ભારતમાંથી અસંખ્ય યાત્રાળુઓ દ્વારકા ખાતે પહોંચે છે. ફુલડોલ ઉત્સવને ધ્યાને લઇને વહીવટીતંત્ર તેમજ દ્વારકા દેવસ્થાન સમિતિ દ્વારા લોકોને કોઇપણ પ્રકારની અડચણ ન થાય તેના માટે આયોજન માટે વિવિધ વિભાગના અધિકારીઓને લોકોની સુવિધા માટે જવાબદારી સોપવામાં આવે છે. આ ઉત્સવનું સુચારુ આયોજન થાય તે માટે દ્વારકા ખાતે ગુરૂવારે દ્વારકા દેવસ્થાન સમિતિની ઓફિસ ખાતે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં દ્વારકાના પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે લોકોને સ્વચ્છ પીવાનું પાણી મળે, સ્વચ્છ ખોરાક મળે, તેમની સલામતી જળવાઇ, વાહનોનું યોગ્ય જગ્યાએ પાર્કિગ થાય તેમજ આરોગ્યના હેલ્થ સેન્ટર દ્વારા સરળતાથી બિમાર યાત્રીકોને સારવાર મળી રહે તથા સ્વચ્છતા જળવાઇ તે માટે યોગ્ય જગ્યાએ વધુમાં વધુ ડસ્ટબીન મૂકાય જેથી દ્વારકા ખાતે આવનારા યાત્રીકો દ્વારકાની સારી સુવાસ લઇને જઇ શકે તે બાબત પર પણ ભાર મૂકયો હતો. સાથે સાથે વિવિધ મહત્વના મુદ્દે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. આ મિટિંગમાં મંદિર સુરક્ષાના ડી.વાય.એસ.પી. સમીર સારડા સાથે આગેવાનો, વિવિઘ સંસ્થાના હોદ્દેદારો વિગેરે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.