રાજ્યના કેબિનેટ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને વર્ષ 2024-25ની જિલ્લા આયોજન મંડળની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં પ્રભારીમંત્રી દ્વારા વર્ષ 2024-25 માટે જામનગર જિલ્લાના 6 તાલુકાઓ જામનગર, કાલાવડ, ધ્રોલ, જોડિયા, લાલપુર તથા જામજોધપુર અને ધ્રોલ,સિક્કા, કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાના વિકાસકામો માટે વિવેકાધીન સામાન્ય જોગવાઈ હેઠળ રૂ.763.34લાખના કુલ 245 કામો તથા અનુસૂચિત જોગવાઈના રૂ.98.10લાખના 45 કામો અને 5%પ્રોત્સાહક જોગવાઈના રૂ.27.50લાખના 9 કામો મળી કુલ રૂ.888.94લાખના 299 કામો મંજૂર કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં મંત્રીએ તમામ કામો વહેલી તકે પૂરા કરવા તેમજ ગુણવત્તાયુક્ત કામો કરી અગત્યતા ધરાવતા કામો ઝડપથી પૂરા કરવા સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, મેયર વિનોદભાઈ ખિમસુરીયા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, કલેક્ટર બી.કે.પંડ્યા, કમિશ્નર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, સામાન્ય વહીવટ વિભાગના સંયુક્ત નિયામક એ.વી.ચાંપાનેરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, જિલ્લા આયોજન અધિકારી પટ્ટણી, તાલુકા પંચાયતના પ્રમુખઓ તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.