જામનગર સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીની બેઠક કલેકટર કચેરીની સભા ખંડ ખાતે યોજવામાં આવી હતી.
સાંસદ પૂનમબેન માડમએ જણાવ્યું કે, સરકાર તરફથી લોકઉપયોગી અનેક યોજનાઓ કાર્યવંત છે તે યોજનાઓ સાચા અર્થે લોકો સુધી પહોંચે તે માટે લોકોને આ યોજનાઓની સાચી સમજ આપી તેમને જાગૃત કરવા જોઇએ. તેમણે વધુમાં જણાવ્યુ કે કેન્દ્વ તથા રાજ્યની દરેક યોજનાનો છેવાડાના માનવી સુધી લાભ પહોંચે તે માટે આ દિશાની બેઠક દ્વારા આયોજન અને અમલ બન્નેની સમીક્ષા કરી લોકપ્રશ્નોના ઉકેલ લાવવામાં આવશે. આ માટે લોક સુચનો પણ આવકાર્ય છે.
આ તકે, સાંસદએ જિલ્લામાં કાર્યરત કેન્દ્ર સરકારની યોજનાઓની વિગતવાર સમીક્ષા કરી હતી અને અધિકારીઓ સાથે યોગ્ય પરામર્શ કરી લોકોને યોજનાઓનો પુરો લાભ મળે તે માટે સુચનો કર્યા હતા. સાંસદએ સંભવત: ત્રીજી લહેર અંતર્ગત શહેર અને ગ્રામ્ય કક્ષાએ વેક્સિનેશન તેમજ સંવેદનશીલ જૂથ સગર્ભાઓ, બાળકો માટે આગોતરા આયોજનની ચર્ચાઓ કરી હતી. શહેર કક્ષાએ વિવિધ ઝોનમાં હરિયાળી માટે નાના બગીચાઓનું નિર્માણ કરવા વિશે તેમજ ગ્રામ્ય કક્ષાએ બાળકોને વધુ સુપોષિત કરવા પણ ખાસ તાકીદ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર તેમજ રાજયની વિવિધલક્ષી વ્યક્તિગત તથા સામુહિક યોજનાઓ જેવી કે પ્રધાનામંત્રી ગ્રામ સડક યોજના, એમ.જી.એન.આર.ઇ.જી.એ., નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન, દિન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, નેશનલ હેલ્થ મિશન, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), સ્વચ્છ ભારત મિશન, ડ્રીંકીગ વોટર પ્રોગ્રામ, ફસલ વિમા યોજના, નેશનલ હેલ્થ મિશન, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, સર્વ શિક્ષા અભિયાન, કૌશલ વિકાસ યોજના, ડીઝીટલ ઇન્ડીયા વગેરે જેવી લોકઉપયોગી યોજનાઓની કામગીરીનું અમલીકરણ જિલ્લામાં અસરકારક રીતે થાય અને આ તમામ યોજનાઓની કામગીરીની સમીક્ષા ગંભીરતાપૂર્વક થાય તે માટે ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીની રચના કરી તેની સમિક્ષા બેઠક યોજવામાં આવે છે.
આ બેઠકમાં મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનીયારા, કલેકટર સૌરભ પારધી, જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, નિવાસી અધિક કલેકટર રાજેન્દ્વ સરવૈયા, ડી.આર.ડી.એ. નિયામક રાજેન્દ્ર રાયજાદા, રેલ્વે વિભાગના ડી.આર.એમ. ભાવનગર અને ડી.આર.એમ. રાજકોટ અને ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીના સભ્યો તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીની બેઠક યોજાઇ
છેવાડાના માનવી સુધી પણ દરેક યોજનાનો લાભ પહોંચે તે માટે લોકોના સુચનો પણ આવકાર્ય છે : પૂનમબેન માડમ