જામનગર તાલુકાના ખીજડિયા બાયપાસ પાસે પત્ની સાથે ફરવાની બાબતી ઠપકો આપતા યુવાનને તેની પત્ની અને તેણીના મિત્રએ અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી ઈજા કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના રામેશ્ર્વરનગર પાછળ આવેલા નંદનપાર્ક 2 માં રહેતા મનોજકુમાર દુર્ગાશંકર પંડયા નામના નિવૃત્ત પ્રૌઢ તથા તુષારભાઈ ગત તા.25 ના રોજ સવારના સમયે ખીજડિયા બાયપાસ પાસે ઉભા હતાં તે દરમિયાન પ્રૌઢની પત્ની પ્રજ્ઞાબેન અને કૌશિક પંડયા બન્ને ઉભા હતાં જેથી પ્રૌઢે કૌશિકને ‘તું મારી પત્ની સાથે કેમ ફરશ?’ તેમ કહી ઠપકો આપતા પ્રૌઢ સહિતના બે વ્યક્તિઓ ઉપર તેની પત્ની અને કૌશિકએ ઉશ્કેરાઈને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજા કરી હતી. ઈજાગ્રસ્ત પ્રૌઢ સહિતના બે વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણના આધારે હેકો એચ.જી. જાડેજા તથા સ્ટાફે પ્રૌઢના નિવેદનના આધારે તેની પત્ની સહિતના બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ આરંભી હતી.