ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર મેઘપર ગામના પાટિયા નજીક પૂરપાટ અને બેફિકરાઇથી આવી રહેલી કારના ચાલકે ટીવીએસ મોપેડને ઠોકરે ચઢાવી હડફેટ લેતાં પ્રૌઢનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ગામના હાપીવાડી વિસ્તારમાં રહેતાં હીરાભાઇ રામજીભાઇ નકુમ (ઉ.વ.58) નામના પ્રૌઢ તેના જીજે37 ડી 7056 નંબરના ટીવીએસ મોપેડ પર ગત્ તા. 15ના રોજ રાત્રિના નવ વાગ્યાના અરસામાં ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર મેઘપર ગામના પાટિયા પાસેથી પસાર થતા હતા. તે સમયે પુરપાટ અને બેફિકરાઇથી આવી રહેલી જીજે36 એઆર 3352 નંબરની મારૂતિ કારના ચાલકએ મોપેડચાલક પ્રૌઢને ઠોકરે ચઢાવી હડફેટ લેતાં શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.
ત્યારબાદ ઇજાગ્રસ્ત પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મંગળવારે સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર રાકેશભાઇ દ્વારા કરાતા હે.કો. આર. એન. થાનકી તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કારચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


