ખંભાળિયા નજીકથી આશરે પાંચ વર્ષ પૂર્વે ગાંજા સાથે ઝડપાયેલા એક શખ્સને અહીંની સેશન્સ અદાલતે દસ વર્ષની કેદની સજા તેમજ રૂપિયા એક લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ તારીખ 26-06-19 ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પી.એસ.આઈ. એ.ડી. પરમારને મળેલી બાતમીના આધારે ખંભાળિયા નજીકના દ્વારકા માર્ગ પર આવેલી એક હોટલ પાસે અહીંનો તાલબ ઈસ્માઈલ થૈયમ નામનો શખ્સ પોતાના કબજાની ઓટો રીક્ષામાં માદક પદાર્થ લઈને જતો હોવાથી આ અંગે પોલીસે તાકીદની કાર્યવાહી કરીને ઉપરોક્ત શખ્સને વેચાણ અર્થે રાખેલા 1.975 કિ.ગ્રા. ગાંજા સાથે ઝડપી લીધો હતો.
આ અંગે જે-તે સમયે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ તેની અટકાયત કરી, અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. આ કેસ ખંભાળિયાની સ્પેશિયલ અને સેશન્સ અદાલત સમક્ષ ચાલી જતા આ પ્રકરણમાં અહીંના સરકારી વકીલ કમલેશભાઈ સી. દવે દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખી, ન્યાયમૂર્તિ શ્રી એસ.વી. વ્યાસએ આરોપી તાલબ ઈસ્માઈલ થૈયમને દસ વર્ષની કેદની સજા તેમજ રૂ. એક લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.