જામનગરની અદાલતમાં મુદ્ત હોવાથી જૂનાગઢની જેલમાં રહેલા કાચા કામના ત્રણ કેદીને પોલીસ સ્ટાફ પોલીસની વાનમાં લઇને જામનગર તરફ આવ્યા હતાં. ત્રણેયે કેદીઓને જામનગરની અદાલતમાં રજૂ કરવામાં આવ્યા પછી કોર્ટ કાર્યવાહી પૂર્ણ થતા પોલીસ પાર્ટી કેદીઓ સાથે જૂનાગઢ જવા નિકળ્યા હતાં. તેઓનું વાહન જ્યારે કાલાવડ ધોરીમાર્ગ પર વીજરખી ગામ પાસે પહોંચ્યું ત્યારે ત્યાંની ગોળાઈમાં સામેથી જીજે-10-પીવી-7969 નંબરનો ટ્રક પૂરપાટ ઝડપે આવી ચઢયો હતો અને વિજરખી ગામની ગોલાઈમાં પોલીસ વેન સાથે ટકરાતા અકસ્માત થયો હતો.
આ અકસ્માતમાં પોલીસ વાન ચલાવી રહેલા પોલીસકર્મી સંદીપભાઈ રાવલિયા સ્ટીયરીંગ અને સીટ વચ્ચે દબાયા હતાં. ત્યાંથી પસાર થતાં અન્ય વાહનો થંભી ગયા હતાં. કોઇએ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. પોલીસે પતરાં તોડી સંદીપભાઈને બહાર કઢાવ્યા હતાં. સારવાર કરાવવા તજવીજ હાથ ધરી હતી. આ બનાવ અંગે ટ્રક ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વીજરખી નજીક જુનાગઢ પોલીસ વાનને અકસ્માત નડયો
કેદીઓને મુદ્ત પૂરી થયા બાદ જૂનાગઢ જતા સમયે અકસ્માત: ચાલકને ઈજા: સામેથી પૂરઝડપે આવતા ટ્રકચાલક વિરૂધ્ધ ફરિયાદ