જામનગરમાં ગઇકાલે આઇશ્રી સોનલબિજની ઉજવણી કરવામાં આવી હતી. સોનલ માઁના જન્મોત્સવ નિમિત્તે શહેરમાં શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
જામનગરમાં આઇશ્રી સોનલબિજ ઉત્સવ સમિતિ અને આઇશ્રી સોનલ માઁ શૈક્ષણિક અને સામાજિક ચેરીટેબલ ટ્રસ્ટના દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ સોનલબિજની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જામનગર શહેરના ખોડિયાર કોલોની, નિલકમલ સોસાયટી પાછળ, જુંગીવાડા વાછરાડાડાના મંદિરેથી સોનલ માઁની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. જેમાં ચારણ સમાજના ભાઇઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતાં. આ શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર ફરી હતી. સોનલબિજ નિમિત્તે સોનલ માતાજીના મંદિરે ધ્વજારોહણ, સોનલ વંદના, ધર્મસભા, સમુહ પ્રસાદ, રાસ-ગરબા, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. તેમજ લોકડાયરો સહિતના આયોજનોમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.