ગુજરાતમાં પાછલાં દિવસોમાં વાવાઝોડાંએ મોટો વિનાશ વેર્યો છે. 53 લોકોના મોત થયા છે. અસંખ્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે.સેંકડો લોકો ઘરબાર વિનાના થયા છે. લાખો લોકોને સ્થળાંતરિત થવું પડયું હતું. અને ખેતીવાડી ક્ષેત્ર ઉપરાંત ઘર વખરી તેમજ રોજગારી સહિતના ક્ષેત્રોમાં મોટું નુકસાન થયું છે.
ગુજરાતમાં પ્રાથમિક અંદાજ મુજબ રૂા.3000 કરોડથી વધુની નુકસાની થવા પામી છે. પ્રધાનમંત્રીએ ગઇકાલે બુધવારે હવાઇ નિરિક્ષણ બાદ બેઠકના અંતે રૂા.1000 કરોડની સહાયની જાહેરાત કરી છે. આ સહાયનું અસરગ્રસ્ત લોકોને ચુકવણું થાય તે પહેલાં સમગ્ર રાજયમાં નુકસાનીનો સર્વે કરવામાં આવશે. જયાં જેટલાં પ્રમાણમાં નુકસાની થઇ હશે. ત્યાં તેટલાં પ્રમાણમાં સહાય આપવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.
રાજય સરકાર દ્વારા સતાવાર રીતે મોતનો આંકડો 46 જાહેર કરવામાં આવ્યો છે. બીજી બાજુ મીડિયા રિપોર્ટ અનુસાર મોતની સંખ્યા 53 છે. રાજયમાં 18 વ્યકિતઓને વાવાઝોડાં દરમ્યાન ઇજાઓ થઇ છે. 30,035 મકાનોને નુકસાની થઇ છે. પશુઓના મોતનો આંકડો 635 છે.રાજયમાં વાવાઝોડાં પુર્વે 2,38,548 લોકોનુ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં.રાજયમાં 77,707 વિજ થાંભલાઓને નુકસાની થઇ છે. લોકોને આશ્રય આપવા માટે 3879 આશ્રય સ્થાનો અને રાહત કેમ્પ બનાવવામાં આવ્યા હતાં. રાજયમાં કુલ 14,338 ફુડ પેકેટનું વિતરણ થયું છે. સરકારની 366 ઇમારતોને નુકસાની થઇ છે. ખેતી અને બાગાયતી ક્ષેત્રમાં 1085 કરોડનું નુકસાન થયું છે. ફળોની વાત કરીએ તો કેરી, નારિયેળ અને કેળાં સહિતના ક્ષેત્રમાં 710 કરોડનું અને બાજરો, અડદ અને મગ સહિતના પાકોને રૂા.375 કરોડનું નુકસાન થયું છે.
આગામી દિવસોમાં દિલ્હીથી પ્રધાનોનું એક જુથ ગુજરાત સરકારને આ અંગે માર્ગદર્શન આપવા માટે ગાંધીનગર આવશે. ગઇકાલે બુધવારે રાજયના વિવિધ સરકારી વિભાગોના વડાઓએ પ્રધાનમંત્રી સમક્ષ નુકસાની અને અસરોનું પ્રેઝનટેશન કર્યું હતું. અત્રે એ પણ નોંધનીય છે કે, ગઇકાલે પ્રધાનમંત્રીએ હવાઇ નિરિક્ષણ કર્યા પછી આજે ગુરૂવારે મુખ્યમંત્રી વધુ એક વખત હવાઇ સર્વે કરશે. ત્યારબાદ દિલ્હીથી આવનારા પ્રધાનોનું જૂથ સંપુર્ણ વિગતો એકત્રિત કરશે અને રાજય સરકારને પુન:સ્થાપન તેમજ સહાય બાબત માર્ગદર્શન આપશે.
ગુજરાતમાં નુકસાની ની વિગતો તપાસવા દિલ્હીથી મંત્રીઓનું જૂથ આવશે
રાજયમાં 3000 કરોડનું નુકસાન, 1000 કરોડની સહાય