ખંભાળિયા શહેરના અનેક રસ્તાઓ ખખડી ગયા હોય, જેના કારણે શહેરના વાહન ચાલકો તથા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ અંગે તાજેતરમાં સતસ્વીર અખબારી અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ રેલવે સ્ટેશન માર્ગને નવેસરથી બનાવવા માટે સરકાર દ્વારા રૂ. 1.41 કરોડ મંજૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ખંભાળિયા શહેરમાં જામનગર તરફથી પ્રવેશવાના માર્ગ પર રેલવે સ્ટેશનથી નગર ગેઈટ સુધીનો રસ્તો ખૂબ જ ખખડી ગયેલો અને ઉબડખાબડ હોય, આ બાબતે નગરપાલિકા તંત્ર દ્વારા સરકાર સમક્ષ કરવામાં આવેલી રજૂઆતો સંદર્ભે આ રોડ રીસર્ફેસિંગની ગ્રાન્ટમાંથી સીસી રોડ બનાવવા માટે દરખાસ્ત પણ કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા સોમવારે સરકારની રોડ રીસર્ફેસિંગની ગ્રાન્ટમાંથી ખાસ કિસ્સા તરીકે આ રસ્તો સીસી રોડ બનાવવા માટે રૂપિયા 1.41 કરોડની સિદ્ધાંતિક મંજૂરી સાંપડી છે. આ રોડ નવ મીટર પહોળો સીસી રોડ બનાવવામાં આવશે. જેથી ખાસ કરીને વાહન ચાલકોને થતી હાલાકીમાંથી મુક્તિ મળશે તેમ નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમારની યાદીમાં જણાવ્યું છે.
આ સાથે ખંભાળિયા નગરપાલિકા દ્વારા રોડ રીસર્ફેસિંગની ગ્રાન્ટ અન્વયે શહેરના અન્ય જુદા જુદા રસ્તાઓમાં પણ ડામરથી રીસર્ફેસિંગ કરવા માટે ચોથા પ્રયત્ન હેઠળ ઇ-ટેન્ડરીંગ કરવામાં આવ્યું છે. આ અંગેની પ્રક્રિયા પૂર્ણ થઈ અન્ય રસ્તાઓ પણ દૂરસ્ત કરવામાં આવશે તેમ વધુમાં જણાવ્યું છે.