જામનગર ઉત્તર વિધાનસભાના ભાજપાના ઉમેદવાર રિવાબા જાડેજા તથા જામનગર દક્ષિણ વિધાનસભા ભાજપાના ઉમેદવાર દિવ્યેશ અકબરીએ જંગી લીડ સાથે ભવ્ય વિજય મેળવ્યો છે. ગઇકાલે યોજાયેલી મત ગણતરીમાં આ બંને ઉમેદવાર જંગી લીડ સાથે વિજેતા જાહેર થતાં તેમની ભવ્ય વિજય રેલી યોજાઇ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો વિશાળ સંખ્યામાં જોડાયા હતાં.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જામનગર શહેરની બંને બેઠકો ઉપર ભાજપાના ઉમેદવારો જંગી લીડ સાથે વિજેતા થયા હતાં. ગઇકાલે મત ગણતરી પુરી થયા બાદ રિવાબા જાડેજા અને દિવ્યેશ અકબરીની વિજય રેલી યોજાઇ હતી. જામનગર શહેરના ગોકુલનગર જકાતનાકા ખાતે આ વિજય રેલીનો પ્રારંભ થયો હતો. જે શહેરમાં વિવિધ વોર્ડમાં ફરી ચાંદીબજાર ખાતે પૂર્ણ થઇ હતી. આ વિજય રેલીમાં સાંસદ પૂનમબેન માડમ, ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, 79-વિધાનસભાના ચૂંટણી ઇન્ચાર્જ મનિષ કટારીયા ઉપરાંત 79-વિધાનસભાના સહ ઇન્ચાર્જ મનિષ કનખરા, કેતનભાઇ નાખવા, ગોપાલ સોરઠીયા, પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) સહિતના અગ્રણીઓ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વિશાળ સંખ્યામાં જોડાયા હતાં. આ વિજય રેલીનું વિવિધ વોર્ડમાં લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું અને ઉમેદવારોને ફુલહાર કરી વિજયના અભિનંદન પાઠવ્યા હતાં.