જામનગર તાલુકાના મસીતિયા ગામના વાડી વિસ્તારમાં રહેતી યુવતીએ તેની માનસિક બીમારીથી કંટાળીને તેના ઘરે છતના હુંકમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામજોધપુર તાલુકાના મહિકી ગામના વાડી વિસ્તારમાં રહેતો યુવાન ઈલેકટ્રીક મોટર ચાલુ કરવા જતાં વીજશોક લાગતા બેશુદ્ધ થઈ જવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર તાલુકાના મસીતિયા ગામની સીમ વિસ્તારમાં રહેતી સલમાબેન જાવીદભાઈ ખફી (ઉ.વ.23) નામની યુવતીને છેલ્લાં પાંચ-છ વર્ષથી માનસિક બીમારીથી થઈ હતી. આ બીમારીના કારણે યુવતીએ રવિવારે સાંજના સમયે તેના ઘરે છતના હુંકમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે હબીબભાઈ દ્વારા જાણ કરાતા એેએસઆઈ ડી.સી. ગોહિલ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામજોધપુર તાલુકાના મહિકી ગામના વાડી વિસ્તારમાં રહેતાં અરજણભાઇ દેવાભાઈ સાથલપરા (ઉ.વ.45) નામના ખેડૂત યુવાન શનિવારે સવારના સમયે તેના ખેતરમાં રહેલી ઓરડીમાં ઈલેકટ્રીક મોટર ચાલુ કરવા જતાં ફયુઝમાંથી શોક લાગતા બેશુધ્ધ થઈ જતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન રવિવારે મધ્યરાત્રિના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે રૂખડભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.જી.વસાવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ આરંભી હતી.