જામનગરમાં આવેલા વાલસુરામાં એસ.એમ.એ. એરિયામાં રહેતાં કર્મચારીની પત્નીએ ખેંચની બીમારીથી કંટાળીને તેણીના બાથરૂમમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલા વાલસુરામાં એસ.એમ.એ. એરિયામાં બિલ્ડિંગ નં.પી/287 રૂમ નં.1 માં રહેતાં અનસુલ હેમરાજ શર્મા નામના કર્મચારીની પત્ની શાલુ શર્મા (ઉ.વ.26) નામની યુવતીને લગ્ન પહેલાં ખેંચની બીમારી હતી અને જેની સારવાર ચાલુ હતી. દરમિયાન યુવતી સાત માસ પહેલાં તેના વતનમાં ગઈ હતી ત્યારે રસોઇ બનાવતા સમયે ખેંચ આવતા ચહેરા પર દાઝી ગઈ હતી અને અવાર-નવાર તેણીના પતિને કહેતી હતી કે ‘હું મારી ખેંચની બીમારીથી કંટાળી ગઈ છું.’ દરમિયાન બુધવારે બપોરના સમયે તેણીના ઘરના બાથરૂમમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે મૃતકના પતિ અનસુલ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.એલ. ઓડેદરા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પતિના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.