પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ ગત વર્ષે ઓક્ટોબર માસમાં યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડીયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે બાળ હૃદયરોગની સારવાર માટે નવીનત્તમ સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. જેના દ્વારા જામનગરની માત્ર દોઢ વર્ષની બાળકી વિજુને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે જવજીવન મળ્યું છે.
જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના સિંગચ ગામે રહેતા અને સામાન્ય પરિવારના અને ડ્રાઈવિંગનો ધંધો કરતાં નારણભાઈ પરમારની દોઢ વર્ષની દીકરી વિજુના હ્રદયમાં કાણું હોવાનું સામે આવ્યું હતું. અને તેની સારવાર માટે લાખો રૂપિયાનો ખર્ચ હોવાથી ગરીબ પરિવાર માથે આભ ફાટી પડ્યું હતું. વિજુના પિતા નારણભાઈએ જણાવ્યું હતું કે, જન્મ પછી વિજુને પેટમાં ડાબી તરફ ખાડો પડતો હતો. ત્યારબાદ જામનગરની જી.જી. હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવતા જાણવા મળ્યું હતું કે તેણીના હૃદયમાં કાણું છે અને તેની સારવાર માટે 4લાખ રૂપિયાનો ખર્ચ થશે.
વિજુના પિતા નારણભાઈએ જણાવ્યું કે અમદાવાદ રહેતા અમારા એક સંબંધીએ અમને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ સંદર્ભ કાર્ડ કઢાવવાની સલાહ આપી. આ કાર્ડના કારણે અમારે એકપણ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો નહીં અને આવવા જવાના મુસાફરીના ભાડા સાથે સરકારે અમને તદ્દન વિનામૂલ્યે આ ઓપરેશનની વ્યવસ્થા કરી આપી અમારી વિજુનો જીવ બચાવ્યો. જેથી તેની વિજુના માતાહમીબેને પણ પોતાની દીકરીનો જીવ બચતા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ બાળકીના હૃદયનુ જટીલ અને મોંઘુ ઑપરેશન રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તદ્દન વિનામૂલ્યે થતાં ગરીબ પરીવારની દોઢ વર્ષની બાળકીનો જીવ બચાવ્યો છે.