જામનગર તાલુકાના હાપા રોડ પર રાજમોતી સોસાયટી પાછળના વ્રજ વિહાર સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગારનો અખાડો ચલાવતા સંચાલક અને ત્રણ મહિલા સહિત નવ શખ્સોને રૂા.2,68,800 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર તાલુકામાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા બે મહિલા સહિત આઠ શખ્સોને રૂા.11,450 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામનગરના ભીમવાસમાં મોબાઇલમાં લૂડો ગેમ ઉપર જૂગાર રમતા બે શખ્સોને રૂા.10,880 ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગરના હાપા રોડ પર આવેલી વ્રજ વિહાર સોસાયટીમાં પ્લોટ નં.162/2 માં રહેતાં દિલીપ કરશન ડાભી નામનો શખ્સ બહારથી માણસો બોલાવી ઘરે તીનપતિનો જૂગારનો અખાડો ચલાવતો હોવાની પો.કો. વિરેન્દ્રસિંહ જાડેજા, હેકો રવિરાજસિંહ જાડેજા, પો.કો. વિક્રમસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઈ એન.એ.ચાવડા, હેકો. દેવાયતભાઈ કાંબરીયા, રવિરાજસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિભાઈ ડેર, મહેન્દ્રભાઈ પરમાર, પો.કો. શિવરાજસિંહ રાઠોડ, રાજેન્દ્રસિંહ ડોડિયા, ખોડુભા જાડેજા, ઋષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન સંચાલક દિલીપ કરશન ડાભી, મનસુખ રામજી પરેશા, હનીફ ઈબ્રાહીમ કારબાણી, ગુલામહુશેન કાસમ દલ, બોદુ અબ્બાસ બ્લોચ, મહમદ ફારુક બાવામીયા પીરજાદા અને ત્રણ મહિલા સહિત નવ શખ્સોને રૂા.42,300 ની રોકડ રકમ, રૂા.11,500 ની કિંમતના 5 નંગ મોબાઇલ તથા રૂા.2,15,000 ની કિંમતના ત્રણ વાહન સહિત કુલ રૂા.2,68,800 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી તીનપતિનો જૂગાર રમતા નિલેશ પ્રાગજીભાઈ સાપરીયા, પંકજ ધનજીભાઇ ડાંગર, કિરીટ જેન્તીભાઈ પરમાર, અનિલ મનસુખભાઈ રાઠોડ, ગુલાબ નટુભાઈ પરમાર, જયેશ દેવજીભાઈ પરમાર અને બે મહિલા સહિત આઠ શખ્સોને રૂા.11,450 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
ત્રીજો દરોડો, જામનગર શહેરમાં ભીમવાસ શેરી નં.3 સામે જાહેરમાં મોબાઇલ ફોનમાં લૂડો ગેમ દ્વારા જૂગાર રમતા બાબુ મુળજી મકવાણા, નરેન્દ્ર મેઘજી ગોહિલ નામના બે શખ્સોને સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.10,880 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.