ખંભાળિયાના પોસ વિસ્તાર એવા જોધપુર ગેઈટ પાસે આવેલા ઓમ કોમ્પ્લેક્સ નામના એક રહેણાંક એપાર્ટમેન્ટમાં ગઈકાલે એકાએક આગ ભભુકી ઉઠતા થોડો સમય દોડધામ મચી જવા પામી હતી. આ કોમ્પ્લેક્સના ત્રીજા માળે રહેતા કિશનભાઈ પાબારી નામના એક આસામીના ફ્લેટમાં કોઈ કારણોસર અચાનક આગ લાગતા આ અંગેની જાણ જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારને કરવામાં આવી હતી. જેથી ફાયર સ્ટાફના નરેશભાઈ ધ્રાંગુ તથા સંજયભાઈ ભાટુ દ્વારા તાકીદે ઘટના સ્થળે દોડી જાય અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગના કારણે ફ્લેટમાં વિવિધ ઘરવખરી તેમજ ઇલેક્ટ્રોનિક્સ આઈટેમો સળગી જતા નોંધપાત્ર નુકસાની થવા પામી છે. શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોવાનું કહેવાય છે.