જામનગર તાલુકાના ધુતારપર ગામના ખેડૂત યુવાને રાજકોટના વ્યાજખોર પાસેથી 25.50 લાખ ત્રણ ટકાના વ્યાજે લીધા બાદ જમીનનો વેંચાણ દસ્તાવેજ કરી લીધો હતો તેમજ અવાર-નવાર વ્યાજની ઉઘરાણી કરી હેરાન પરેશાન કરી અવેજ પેટે લીધેલી જમીન અન્ય વ્યક્તિને વેંચી નાખી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ધુતારપર ગામમાં રહેતાં કાંતિભાઈ મોહનભાઈ સંઘાણી (ઉ.વ.47) નામના ખેડૂત યુવાને રાજકોટના નાના મવા રોડ પર શિવગંગા સોસાયટીમાં રહેતાં ઘનશ્યામ ઉર્ફે ઘનાભાઈ કેશવજીભાઈ પટેલ નામના શખ્સ પાસે નાણાં ધિરધારનું લાયસન્સ ન હોવા છતાં કાંતિભાઈને રૂા.25.50 લાખ માસિક ત્રણ ટકાના વ્યાજે આપ્યા હતાં. જેના અવેજપેટે ખેડૂતની માલિકીની જમીનનો રજીસ્ટર વેંચાણ દસ્તાવેજ કરી લીધો હતો. તેમજ વ્યાજખોરે ખેડૂત પાસેથી અવાર-નવાર ફોન કરી વ્યાજની ઉઘરાણી કરી હેરાન પરેશાન કરતો હતો. ઉપરાંત વ્યાજની રકમ ખેડૂત દ્વારા ભરી ન શકતા વ્યાજખોરે અવેજપેટે વેંચાણ દસ્તાવેજથી લીધેલી જમીન અન્ય વ્યક્તિને વેંચી નાખી હતી. આ બનાવ અંગે ખેડૂત દ્વારા જાણ કરાતા હેકો ડી.એ. રાઠોડ તથા સ્ટાફે વ્યાજખોર વિરૂધ્ધ ગુનો ગુજરાત મનીલેન્ડ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી.