જામનગર-લાલપુર માર્ગ પર આવેલા ચેલા ગામ નજીકની ગોલાઈમાં પૂરપાટ આવી રહેલા બાઈકચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા બાઈક પરથી પટકાયેલા ચાલકનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય વ્યક્તિને નાની મોટી ઈઝાઓ પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગરમાં રહેતો યુવાન ગત તા. 28 ના રોજ તેના જીજે-10-ઈબી-4803 નંબરના બાઈક પર લાલપુર-જામનગર રોડ પર ચેલા ગામ નજીક આવેલી ગોલાઈ પાસેથી પસાર થતો હતો તે દરમિયાન સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થતા ચાલક યુવાન અને પાછળ બેસેલ રણજીતભાઈ બંને બાઈક પરથી પટકાયા હતાં. જેમાં ચાલકને શરીરે તથા માથામાં ગંભીર ઈજા તથા પાછળ બેસેલ યુવાનને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ બંને યુવાનોને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બાઈકચાલક યુવાનનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે સવાભાઇ ટોયટા જાણ કરાતા હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.