કાલાવડ તાલુકાના દડવી ગામમાં રહેતું દંપતી કાલાવડ-બાલંભડી રોડ પર બાઈકમાં તેના ગામ તરફ જતાં હતાં તે દરમિયાન સામેથી પુરઝડપે આવી રહેલી કારચાલકે બાઈકને ઠોકર મારતા અકસ્માતમાં પ્રૌઢનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે પ્રૌઢાને નાની મોટી ઈજાઓ થઈ હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના દડવી ગામમાં રહેતાં જેસીંગભાઈ દામજીભાઈ ખંઢેરા નામના પ્રૌઢ ગત તા.04 ના રોજ સાંજના સમયે તેમના પત્ની કંચનબેન ખંઢેરા સાથે જીજે-03-ડીસી-4065 નંબરના બાઈક પર કાલાવડ થી તેના ગામ દડવી તરફ જતા હતાં ત્યારે કાલાવડ-બાલંભડી રોડ નજીક પહોંચ્યા તે સમયે સામેથી પૂરઝડપે બેફીકરાઇથી આવી રહેલી કારના ચાલકે પ્રૌઢ દંપતીના બાઈક સાથે અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈકસવાર જેસીંગભાઈ ખંઢેરા (ઉ.વ.50) નામના પ્રૌઢને શરીરે અને માથામાં તથા તેમના પત્ની કંચનબેનને શરીરે નાની મોટી ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન જેસીંગભાઈ નામના પ્રૌઢનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ કારચાલક નાશી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના પત્ની કંચનબેનના નિવેદનના આધારે પીઆઈ એચ.બી. વડાવીયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.