સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડની મંજૂરી લઈ તેમના નામથી યુટ્યૂબ ચેનલ બનાવી હાસ્યના વીડિયો અપલોડ કરી લાખો રૂપિયાની રોયલ્ટી ચાંઉ કરવા બદલ રાજકોટના ચેનલ ઓપરેટર સામે સીઆઈડીની સાઇબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવાઈ છે. શાહબુદ્દીન રાઠોડના પુત્ર અફઝલ રાઠોડે રાજકોટના ચેનલ ઓપરેટર રિતેશ કાંતિલાલ કક્કડ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ઓપરેટરે શાહબુદ્દીન રાઠોડના 110 વીડિયો અપલોડ કરી આવક રળી લીધી હતી.
સુરેન્દ્રનગરના થાનગઢમાં રહેતા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ વતી તેમના પુત્ર અફઝલ રાઠોડે નોંધાવેલી ફરિયાદ અનુસાર શાહબુદ્દીન રાઠોડનો રાજકોટના ચેનલ ઓપરેટર રિતેશ કક્કડે 2019માં સંપર્ક કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે તે સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્લેટફોર્મ પર વીડિયો અપલોડ કરે છે. તેણે શાહબુદ્દીન રાઠોડને તેમના પ્રોગામના વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરવા 20 ટકા સર્વિસ ચાર્જ લઈ તેમની ચેનલનું સંચાલન કરવાનું કહ્યું હતું, આથી શાહબુદ્દીનભાઈએ તેમને સંમતિ આપી હતી.
દરમિયાન શાહબુદ્દીન રાઠોડના 83મા જન્મદિવસે રાજકોટમાં ‘શાહબુદ્દીન રાઠોડ ઓફિશિયલ’ નામની વીડિયો ચેનલનો પ્રારંભ કરાયો હતો. આ પ્રોગ્રામ લોકોને પસંદ પડ્યો હતો, જોકે એના વ્યૂઅર્સ અને લાઇક જોતાં યુટ્યૂબ તરફથી તેમના બેંક ખાતામાં કોઈ રકમ જમા થતી ન હતી. આ બાબતે રિતેશ કક્કડને અવારનવાર રજૂઆત કરતાં તેણે ચેનલ ચાલુ કર્યાના ત્રણ મહિના પછી થોડું થોડું પેમેન્ટ આપવાનું શરૂ કર્યું હતું.
અત્યાર સુધીમાં તેણે અલગ અલગ સમયે મળી કુલ રૂ. 1,51,100 જેટલી રકમના જ ચેક આપ્યા હતા, જે બેંકમાં જમા કરાવ્યા હતા. આ દરમિયાન રિતેશ કક્કડે યુટ્યૂબ ચેનલનો સંપૂર્ણ પાવર પોતાની પાસે રાખ્યો હતો અને ઓફિશિયલ જેના નામની ચેનલ હતી તેમને કોઈ સત્તા આપી ન હતી, આથી યુટ્યૂબ સાથે જે પણ વ્યવહાર થતાં એની શાહબુદ્દીન રાઠોડને કોઈ જાણ થતી ન હતી. આ રીતે ચેનલના જે પણ પૈસા આવતા એ રિતેશના અકાઉન્ટમાં જમા થતા હતા. શાહબુદ્દીન રાઠોડ જ્યારે પણ આ બાબતે રિતેશ સાથે વાત કરતાં તો એ ટેક્નિકલ કારણો બતાવી બહાનાં કરતો હતો અને ચેનલમાં તેમની કોઈ વિગત રાખી ન હતી.
પોલીસ ફરિયાદ અનુસાર રિતેશ કક્કડે 20 ટકા કમિશન લઈને શાહબુદ્દીન રાઠોડની ચેનલ બનાવી 110 જેટલા વીડિયો અપલોડ કર્યા હતા. જોકે રિતેશે તમામ વ્યવહારો પોતાની પાસે રાખીને શાહબુદ્દીન રાઠોડને મળનારા રૂપિયા પોતાના અકાઉન્ટમાં જમા કરાવી લીધા હતા. આમ, ઓગસ્ટ 2018થી નવેમ્બર 2019 સુધી 15 મહિના સુધી શાહબુદ્દીન રાઠોડના નામનો ઉપયોગ કરી તેમના વીડિયો અપલોડ કરી પોતાના એજન્ટ તરીકે વિશ્વાસ આપીને કોપીરાઇટનો ભંગ કરી શાહબુદ્દીન રાઠોડના હિસ્સાના રૂપિયા રિતેશે ઠગી લીધા હતા.
શાહબુદ્દીન રાઠોડને પદ્મશ્રી અવોર્ડ મળતાં તેમના નામે ચેનલનું નામ ‘શાહબુદ્દીન રાઠોડ પદ્મશ્રી’ કરી યુટ્યૂબમાં તેમની વિગતો આપી તેમના બેંક અકાઉન્ટની માહિતી આપવા રિતેશ કક્કડને કહેવા છતાં તેણે આઠ મહિના સુધી આ ટાઇટલ બદલવાની પ્રક્રિયા કરી ન હતી. ત્યાર બાદ ચેનલનું નામ બદલાયું હતું, પરંતુ એના તમામ રાઈ્ટસ રિતેશે પોતાની પાસે જ રાખ્યા હતા.