Saturday, March 28, 2026
Homeરાજ્યહાલારખંભાળિયા પાસે કારએ બાઇકસવાર પિતા-પુત્રીને ઠોકરે ચઢાવ્યા

ખંભાળિયા પાસે કારએ બાઇકસવાર પિતા-પુત્રીને ઠોકરે ચઢાવ્યા

પિતાનું હોસ્પિટલ પહોંચતા પહેલાં મોત : પુત્રીને ફ્રેકચર સહિતની ઇજા : નંબરપ્લેટ વગરની કારના ચાલકે સર્જ્યો અકસ્માત : પોલીસે કારચાલક સામે નોંધ્યો ગુનો

ખંભાળિયાના પાદરમાં રાત્રિના સમયે એક મોટરસાયકલ પર જઈ રહેલા પિતા-પુત્રીના બાઈકને આ માર્ગ પર ગફલતભરી રીતે આવી રહેલા નંબરપ્લેટ વગરની એક મોટરકારના ચાલકે ઠોકરે લેતા યુવાનનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેમની સાથે જઈ રહેલી તેમની પુત્રીને પણ ઈજાઓ થવા પામી હતી.

- Advertisement -

આ કરુણ બનાવની વિગત એવી છે કે ખંભાળિયામાં રામનગર વાડી વિસ્તારમાં રહેતા અશ્ર્વિનભાઈ સવજીભાઈ ચોપડા નામના સતવારા યુવાન તેમની પુત્રી પાયલબેનને સાથે લઈને તેમના જી.જે. 37 એચ. 4490 નંબરના મોટરસાયકલ પર બેસીને ગુરુવારે રાત્રિના આશરે 12 વાગ્યાના સમયે તેમના સસરાના ઘરેથી પોતાના ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે ખંભાળિયામાં ભાણવડ માર્ગ તરફ જતા ગરેડામાં નવચેતન સ્કૂલ તરફ જતા માર્ગે પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી નંબરપ્લેટ વગરની એક મારુતિ કારના ચાલક નિલેશભાઇ હરદાસભાઇ ગોરિયાએ અશ્ર્વિનભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર કાર અથડાવી અકસ્માત સર્જ્યો હતો.

આ અકસ્માતમાં અશ્ર્વિનભાઈને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં જીવલેણ ઈજાઓ થતા તેમને ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ ઉપરાંત તેમની સાથે જઈ રહેલી તેમની પુત્રી પાયલને પણ ફ્રેક્ચર સહિતની નાની-મોટી ઈજાઓ થઇ હતી. પાયલને વધુ સારવારઅર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશ્ર્વિનભાઈ ચોપડાના મૃતદેહનું અહીંની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ બનાવ અંગે કિરીટભાઇ ચોપડાની જાણના આધારે પીએસઆઇ વી. આર. વસાવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી નંબરપ્લેટ વગરની કારના ચાલક નિલેશ ગોરિયા સામે મોટરસાયકલ અકસ્માતની કલમ તથા બીએનએસની કલમ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular