જામનગરના કામદાર કોલોની વિસ્તારમાં એક વેપારીએ પાડોશીને મોટર સરખી રાખવા માટે કહેતા ઉશ્કેરાયેલા શખ્સે ફરિયાદી ઉપર હુમલો કરી ફડાકો ઝીંકયો હતો અને કારનો પડદો ફાડી નાખ્યો હતો. આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.
આ અંગેની વિગત મુજબ, જામનગરના કામદાર કોલોની રોડ નંબર શેરી નંબર 2 માં રહેતાં ધર્મેન્દ્ર રજનીકાંત શાહ નામના વેપારી જ્યાં મોટર રાખે છે ત્યાં જ રાજદિપસિંહ બળવંતસિંહ રાઠોડ એ પોતાની મોટર રાખી હોય જેથી તા.28 ના સાંજે ફરિયાદી ધર્મેન્દ્રભાઈ એ રાજદિપસિંહને તેની મોટર સરખી રાખો તો હું પણ મોટર રાખી શકું. તેમ કહ્યું હતું. જેથી રાજદિપસિંહ ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને ગાડી પાર્ક કરવાની ના પાડી અપશબ્દો બોલી ઝપાઝપી કરવા ઉપરાંત ફડાકો ઝીંકી દેતા કાનના પડદામાં કાણુ પાડી નાખ્યું હતું. આ અંગે ધર્મેન્દ્રભાઈ દ્વારા સિટી સી પોલીસ સ્ટેશનમાં રાજદિપસિંહ બળવંતસિંહ રાઠોડ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.