Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરમોટીખાવડી પાસે ટર્ન લેતાં ટેન્કરે ઠોકરે ચડાવતાં બાઇકસવારનું મોત

મોટીખાવડી પાસે ટર્ન લેતાં ટેન્કરે ઠોકરે ચડાવતાં બાઇકસવારનું મોત

સોમવારે સવારના સમયે નાગાર્જુન પેટ્રોલ પંપ સામે અકસ્માત : ચાલક ટેન્કર મૂકી નાશી ગયો : પોલીસ દ્વારા કાર્યવાહી : મોટીખાવડીમાં મજૂરી કામ કરતાં યુવાનનો પગ લપસી જવાથી પટકાતાં મૃત્યુ

- Advertisement -

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર નાગાર્જુન પેટ્રોલપંપ સામેના રોડ પરથી પૂરઝડપે બેફિકરાઇથી આવતા ટેન્કર ચાલકે બાઇક સવારને ઠોકરે ચડાવી હડફેટે લેતા યુવાનનુ ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું. અકસ્માતના બનાવ બાદ ચાલક ટેન્કર મુકી નાશી ગયો હતો. પોલીસે ટેન્કર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મોટીખાવડીમાં ખાનગી કંપનીમાં મજૂરી કામ કરતાં સમયે યુવાનનો પગ લપસી જતાં નીચે પટકાતાં લોખંડની પટ્ટી સાથે માથુ અથડાતાં ગંભીર ઇજા પહોંચતાં મોત નિપજ્યું હતું.

અકસ્માતના બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના આરબલુસ ગામના વાડી વિસ્તારમાં રહેતા અમરશીભાઇ વાલાભાઇ જેપાર નામનો યુવાન સોમવારે સવારના સમયે તેની જીજે-10-બીએચ-5291 નંબરના બાઇક પર જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા નાગાર્જૂન પેટ્રોલ પંપ સામેના માર્ગ પરથી પસાર થતો હતો તે દરમિયાન પૂરઝડપે બેફિકરાઇથી આવતાં એચઆર-69-બી-6846 નંબરના ટેન્કરના ચાલકે ઇન્ડીકેટર આપ્યા વગર ટેન્કરનો ટર્ન સમયે બાઇકસવારની ઠોકરે ચડાવી હડફેટ લેતાં યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ચાલક ટેન્કર મૂકી નાશી ગયો હતો. આ અંગેની જાણ થતાં પીએસઆઇ કે.આર. સિસોદીયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના ભાઇ રાજેશના નિવેદનના આધારે ટેન્કર ચાલક વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

બીજો બનાવ જામનગર જિલ્લાના મોટીખાવડી ગામની સીમમાં આવેલી ખાનગી કંપનીમાં ઝારખંડના યોગેન્દ્ર બુધ્ધદેવ લોહરા નામનો યુવાન મજૂરીકામ કરતો હતો તે દરમિયાન અકસ્માતે પગ લપસી જવાથી નીચે પટકાતાં માથુ લોખંડની પટ્ટી સાથે અથડાતાં ગંભીર ઇજા પહોંચતાં સારવાર માટે મોટીખાવડીની હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં તેનું મોત નિપજ્યાનું તબીબીએ જાહેર કર્યું હતું. આ અંગેની કોન્ટ્રાકટર હાર્દિકસિંહ દ્વારા જાણ કરાતાં હેકો વી.સી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular