કાલાવડ તાલુકાના મુરીલા ગામના પ્રૌઢ રાજકોટ મેટોડા જીઆઇડીસી તરફ નોકરીએ જતાં હતાં તે દરમિયાન મોટા વડાળાના પાટીયા નજીક પૂરઝડપે આવી રહેલી કારે ઠોકર મારતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા બાઈકસવાર પ્રૌઢનું મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના મુરીલા ગામમાં રહેતા આંબાભાઈ ઉનાગર નામના પ્રૌઢ ગુરૂવારે સાંજના સમયે તેના જીજે-10-બીએ-9038 નંબરના બાઈક પર રાજકોટના મેટોડા જીઆઇડીસી ખાતે નોકરી માટે જતા હતાં તે દરમિયાન કાલાવડ થી 12 કિ.મી. દૂર મોટા વડાળા ગામના પાટીયા નજીક સુરસાંગડા મંદિર પાસે પહોંચ્યા ત્યારે પૂરઝડપે બેફીકરાઈથી આવી રહેલી જીજે-10-ડીઈ-1762 નંબરની અર્ટીગા કારના ચાલકે બાઈકને ઠોકર મારી હડફેટે લેતા પ્રૌઢ બાઈક પરથી રોડ પર પટકાયા હતાં. જેમાં શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન પ્રૌઢનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર હિરેન દ્વારા જાણ કરાતા પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.