વિકાસની દોડમાં આગળ વધી રહેલ ભારત દેશમાંથી હજુ પણ અમુક એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આવી જ એક ઘટના રાજસ્થાન માંથી સામે આવી છે. રાજસ્થાનના જાલૌર જીલ્લામાં 45 ડીગ્રી તાપમાનમાં એક 6વર્ષની બાળકી 25 કિમી સુધી ચાલી અને પાણી ન મળતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે. વાહન ન મળતા તેણી પોતાની નાની સાથે ચાલીને ઘરે જઈ રહી હતી ત્યારે આ કરુણ ઘટના બની હતી.
રાજસ્થાનના જાલૌર જીલ્લાના રાનીવાડા વિસ્તારમાં રવિવારે રેતીના મેદાનમાં એક 6 વર્ષની બાળકીનું મૃત્યુ નીપજ્યું. આ બાળકી પોતાની નાની સાથે ચાલીને જઈ રહી હતી. અને બન્ને બેભાન થઇ જતા ગામના લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોચીને 60 વર્ષના સુખી દેવીને પાણી પીવડાવ્યુ અને બેભાન હાલતમાં 6 વર્ષની અંજલિને હોસ્પિટલ ખસેડવામાં આવી અને ત્યાં તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. ડોકટરોએ પાણી ન મળવાને લીધે અંજલિનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યુ હતું.
મળતી માહિતી મુજબ 60 વર્ષના સુખી દેવી પોતાની પૌત્રી અંજલિ સાથે સિરોહીની બાજુમાં આવેલ રાયપુરથી બપોરના સમયે રાનીવાડા ક્ષેત્રમાં આવેલ રણવિસ્તારમાં પોતાના ઘરે જઈ રહી હતી. લોકડાઉનના પરિણામે વાહન ન મળતા તે બન્ને ચાલીને ઘરે જઈ રહ્યા હતા. અને 45ડીગ્રી તાપમાન અને રણપ્રદેશ વિસ્તારમાં ક્યાય પાણી પણ ન મળતા બન્ને બેભાન થઇ ગયા હતા અને 6વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.
આ અંગે કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે કોંગ્રેસ સરકારને સવાલો કર્યા છે અને ટ્વીટમાં લખ્યું છે કે 9 કલાક સુધી પાણી ન પીવાથી એક બાળકીનું મૃત્યુ નીપજ્યું જે ખુબ જ શરમજનક ઘટના છે. આના માટે રાજસ્થાન સરકાર જવાબદાર છે. સોનિયા, પ્રિયંકા, રાહુલ હવે કેમ ચુપ છે ?