જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાંથી ખજૂર, પતાસા સહિતની ખાદ્ય સામગ્રીના આઠ જેટલા નમૂના લઇ પરિક્ષણ માટે વડોદરા મોકલવામાં આવ્યા છે. તેમજ 14 જેટલી પેઢીઓમાં ચેકિંગ હાથ ધરી સ્વચ્છતા જાળવવા સહિતની સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત મિટ/ચિકનના કેસમાં કરેલ દંડ અનુસંધાને 4 આસામીઓ પાસેથી રૂા. 40,000નો દંડ વસુલવાની કાર્યવાહી કરાઇ હતી.
કમિશનર વિજયકુમાર ખરાડીની સૂચના હેઠળ જામ્યુકોની ફૂડ શાખા દ્વારા સત્મનારાયણ મંદિર રોડ, હવાઇચોક, તંબોલી માર્કેટ, ગ્રેઇન માર્કેટ તથા નાગનાથ ગેઇટ જેવા વિસ્તારોમાંથી ખજૂર, પતાસા તથા હારડાના આઠ જેટલા નમુના લઇ પરિક્ષણ અર્થે વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં. આ ઉપરાંત મિટ/ચિકનના કેસની એડજ્યુડિકેટીંગ ઓફિસર દ્વારા કરાયેલ દંડના અનુસંધાને ચાર આસામીઓને રૂા. 40,000નો દંડ ભરાવાની કામગીરી કરવામાં આવી હતી.
આ ઉપરાંત શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલ આર્યફૂડ પેલેસ, લાપીનોઝ પિઝા, ધનલક્ષ્મી બેકરી, ભોલા પંજાબી ધાબા, લામિલાનો, સેફબાઇટ, સ્વામિનારાયણ રોડ પર અબ્દુલ જુસબની પેઢી, ભીમવાસના ઢાળિયા પાસે સલિમભાઇ રસવાળા, ડીકેવી પાસે ચૌધરી મોમોસ, સેન્ડવીચ હટ, રાજુભાઇ પકોડાવાળા, દિલીપભાઇ ઘુઘરાવાળા, સાવરીયા ફરારી પૌવા તથા યશપાલસિંહ દાલવડીવાળાને ત્યાં ચેકિંગ હાથ ધરાવવામાં આવ્યું હતું. જેમાં સફાળ જાળવવા, આરોગ્યને નુકસાનકારક તેમજ પ્રતિબંધિત વસ્તુઓ ન વાપરવા તાકિદ કરવામાં આવી હતી.